વન વિભાગ દ્વારા ગિરનારમાં સફાઈ અભિયાન
૧પ૦થી વધુ કર્મચારી, એનજીઓ, સેવાભાવી સંસ્થાઓ જાેડાઈ : ૧પ દિવસ સુધી કામગીરી કરી કચરાનો નાશ કરાશે : મનીષ ઓડેદરા
(એસીએફ)
જૂનાગઢ તા. ર૬
ગરવા ગિરનારની લીલી પરીક્રમામાં ચાલુ વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા અને પરીક્રમાનું પુણ્યનું ભાથું બાંધી પરીક્રમા સંપન્ન કરી છે. પરીક્રમા પુર્ણ થતા જ હવે ગિરનારના જંગલને કચરા તેમજ પ્લાસ્ટીક મુકત કરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સેવાભાવી સંસ્થા, એનજીઓ સફાઈ અભિયાનમાં જાેડાયા છે. સતત ૧પ દિવસ સુધી સફાઈ મહાઅભિયાન હાથ ધરી અને ગિરનાર ક્ષેત્રને તેમજ જંગલ વિસ્તારને સ્વચ્છ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી આવકારદાયક છે જ પરંતુ સાથે સાથે પવિત્ર ગિરનારની પાવનકારી ભૂમિને કાયમી ધોરણે સ્વચ્છ રાખવાનો સંકલ્પ પણ અહીં આવનાર દરેક શ્રધ્ધાળુઓ અને ભાવિકો રાખે અને તે પ્રમાણે વર્તે તો પ્લાસ્ટીકમુકત અભિયાન કે કચરામુકત અભિયાનની કોઈ જરૂર પણ ન પડે. સૌથી પહેલી જાગૃતિ આપણે જ રાખીશું તો જ આસ્થાનું કેન્દ્ર એવા ગિરનારની સ્વચ્છતાને કોઈ દાગ નહીં લાગે.
જૂનાગઢ નજીક આવેલા ગિરનાર ક્ષેત્રની ૩૬ કિ.મી.ની લીલી પરીક્રમા ગત તા.ર૦ નવેમ્બરથી શરૂ કરવામાં આવી હતી અને પરીક્રમા સતાવાર રીતે સંપન્ન કરવામાં આવી છે. પરીક્રમાના પાંચ દિવસના મેળામાં એકલા જૂનાગઢજ નહીં પરંતુ દેશના વિવિધ રાજયો તેમજ વિદેશમાંથી પણ યાત્રીકોએ પરીક્રમાના મેળાનો લાભ લીધો હતો.
ગિરનારજી મહારાજની ૩૬ કિ.મી.ની પરીક્રમા હસ્તા, રમતા, ભજન ગાતા-ગાતા પુર્ણ કરી હતી અને ગિરનારજી મહારાજની શ્રધ્ધાની સાક્ષાત્કારનો અનુભવ લીધો હતો અને ભાવવિભોર બન્યા હતા. લીલી પરીક્રમામાં લાખોની સંખ્યામાં ઉમટેલા શ્રધ્ધાળુઓએ સેવાનું પુનિત ભાથુ એકત્રીત કર્યુ છે. પરંતુ સાથે સાથે ગિરનારની પવિત્ર ભૂમિ અને વન્યજીવોનાં ઘરને પ્લાસ્ટીકના પ્રદુષણથી પણ દુષીત કરી દીધું છે. અને જેને માટે સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વર્ષે ગિરનારના જંગલને પ્લાટીક મુકત રાખવા માટે વનવિભાગ દ્વારા પ્રવેશદ્વારો પર કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ એનજીઓ દ્વારા યાત્રીકો પાસેથી પ્લાસ્ટીકની થેલીઓ લઈને તેના બદલે વિનામૂલ્યે ઈકોફ્રેન્ડલી કાપડની બેગ આપવાનું અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. આ સઘન પ્રયાસોને કારણે ગત વર્ષોની સરખામણીએ મોટા પ્લાસ્ટીકના કચરામાં ચોકકસપણે ઘટાડો જાેવા મળ્યો છે. અને એ બાબત ખુબજ સારી છે અને આ સાથેજ એક કડવી વાસ્તવીકતા પણ સામે આવી છે. જંગલ સંપુર્ણપણે પ્રદુષણથી બચી શકયું નથી. પરીક્રમાના સમગ્ર ૩૬ કિ.મી.ના રૂટ ઉપર જયાંત્યાં પ્લાસ્ટીકનો કચરો આ વખતે ઓછો જાેવા મળે છે પરંતુ સૌથી વધુ પ્રદુષણ સોપારી અને તમાકુના માવાની પોટલી ગણાતા પ્લાસ્ટીકના કાગળોથી ફેલાયેલ છે. ગમે તેવું ચેકીંગ રાખવા છતાં પણ આ પ્લાસ્ટીકના કાગળમાં વીંટાયેલી માવાની પોટલી સહેલાઈથી છુપાવીને જંગલમાં લઈ જવામાં આવી છે. અને આવા માવાના પ્લાસ્ટીકે સમગ્ર જંગલની સુંદરતાને દાગ લગાડયો છે. વન્યપ્રાણીઓના વિચરણ વિસ્તારમાં ફેંકાયેલા આ ઝેરી પ્લાસ્ટીકના કાગળો વન્યજીવો માટે ભારે જાેખમકારક બની શકે છે. જંગલને બચાવવા માટે વહીવટી તંત્ર અને પર્યાવરણ પ્રેમીઓએ દિવસ રાત એક કર્યા હોવા છતાં પણ માવા ખાવાના શોખીનોએ માવાના કાગળો વેરી અને જંગલને પ્રદુષીત કર્યુ છે. પરીક્રમા પુર્ણ થતા જ વનવિભાગનો સ્ટાફ, પ્રકૃતિ પ્રેમી સંસ્થાઓ અને સ્વયંસેવકો જંગલને ફરીથી મુળ સ્વરૂપમાં લાવવા માટે સફાઈ અભિયાન હાથ ધર્યુ છે અને પ્લાસ્ટીમુકત તેમજ કચરામુકત અભિયાનને વેગ બનાવ્યું છે. આ સાથે જ ગિરનાર ક્ષેત્રમાં અને જંગલ વિસ્તારમાં ધાર્મિક મેળાઓ દરમ્યાન લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે ત્યારે આસ્થાના પ્રતિક એવા ગિરનારની સ્વચ્છતાને ઝાંખપ ન લાગે તે માટે સ્વયંમ રીતે પણ પ્લાસ્ટીકનો કચરો ન નાખવો તેમજ જયાં-ત્યાં ગંદકી ન કરવી તેવા સંકલ્પની પણ આજે જરૂર છે. અને આવી વ્યવસ્થા કાયમી ધોરણે ગોઠવવામાં આવે તેવી પણ લાગણી પ્રવર્તી રહી છે.
દરમ્યાન એસીએફ મનીષ ઓડેદરાએ જણાવ્યું હતું કે, વન વિભાગ, એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જંગલમાંથી કચરો દુર કરવા માટેનું સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવેલ છે અને વન્યપ્રાણીઓને કોઈ નુકશાન ન પહોંચે તેમજ તેને ખલેલ ન પહોંચે તે રીતે કચરાનો નાશ કરવામાં આવશે અને ૧પ દિવસ આ અભિયાન હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.



