નરસિંહ મહેતા સરોવર, વિલીંગ્ડન ડેમ અને આણંદપુર ડેમની જળ સંગ્રહ ક્ષમતા વધારવા માંગણી
જળ સંપતિ મંત્રીને જૂનાગઢના એડવોકેટ વિજય દવેએ પત્ર લખી રજૂઆત કરી
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૭
જૂનાગઢ સહિત જીલ્લાભરમાં ચાલું વર્ષે અપુરતા વરસાદના કારણે પાણીની ગંભીર સ્થિતિ સર્જાવાનો ભય ઉભો થયો છે. ડિસેમ્બર માસ પુરો થતા જ જુદા-જુદા વિસ્તારમાં પાણીની તંગીનો સામનો કરવો પડશે. જૂનાગઢ શહેરમાં આવેલું નરસિંહ મહેતા સરોવરમાં પણ પાણી હાલ ખુબ જ ઓછું છે અને આગામી દિવસોમાં સરોવર પણ ખાલી થઈ જવાનું છે ત્યારે અનેક સોસાયટીઓમાં પાણીના તળ નીચા ઉતરી જશે તેમજ જૂનાગઢ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા આણંદપુર ડેમ તેમજ વિલીંગ્ડન ડેમમાં પણ પાણીનો સંગ્રહિત જથ્થો આગામી સમયમાં ખુટી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. દરમ્યાન જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિનાં ઉપપ્રમુખ અને એડવોકેટ વિજય દવે દ્વારા રાજ્યના જળ સંપતિ મંત્રીને એક વિસ્તૃત પત્ર પાઠવવામાં આવેલ છે અને રજૂઆત કરતા જણાવેલ છે કે, જૂનાગઢ શહેરના પાયાના ત્રણ પાણી જળસ્ત્રોતો છે તેમાંથી કાપ કાઢવાની અને ઉંડું ઉતારવાની ખાસ જરૂર છે.
જૂનાગઢની શાન સમાન નરસિંહ મહેતા સરોવરમાંથી કચરો અને ગંદકી દુર કરી સરોવરને ઉંડું ઉતારવાની જરૂર છે. આગોતરા આયોજનથી શહેરના ભુગર્ભ જળસ્તર ઉંચા આવશે અને નાગરિકોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. આગામી ચોમાસા સુધીનો સમયગાળો છે તે સમયનો સદઉપયોગ કરી અને નરસિંહ મહેતા સરોવરને ઉંડું ઉતારી કાપ કાઢવાની કામગીરી તત્કાલ શરૂ કરવાની માંગણી સાથે પત્રમાં રજૂઆત કરવામાં આવી છે.



