પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધતા બ્રેન્ટ ક્રુડનો ભાવ ૯૬ ડોલરને પાર થયો

પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધતા બ્રેન્ટ ક્રુડનો ભાવ ૯૬ ડોલરને પાર થયો

(એજન્સી)         લંડન, તા. ૨૭ :
પશ્ચિમ એશિયામાં વકરી રહેલા સૈન્ય સંઘર્ષ અને પેટ્રોલિયમ પુરવઠો ખોરવાઈ જવાની આશંકાને પગલે ગઈ રાત્રે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. છેલ્લામાં છેલ્લા ઉપલબ્ધ અહેવાલ અનુસાર બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧.૯૮ ટકા વધીને પ્રતિ બેરલ ૯૬.૪૮ ડોલર અને અમેરિકન વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડનો ભાવ ૧.૨૩ ટકા વધીને ૮૪.૭૧ ડોલર થયો છે. યમનના હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાની સૌથી મોટી રાસ તનુરા ઓઇલ રિફાઇનરી ઉપર હુમલો કર્યો હોવાનો દાવો કરતાં આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ બજારમાં ચિંતા વધી છે. આ રિફાઇનરીની સાથે સાઉદી અરેબિયાનું મહત્વપૂર્ણ ક્રૂડ ઓઇલ નિકાસ કેન્દ્ર પણ સંકળાયેલું છે. હુમલાથી થયેલા નુકસાન અંગે સંપૂર્ણ સ્વતંત્ર પુષ્ટિ હજુ મળી નથી. દરમિયાન ઈરાનના રિવોલ્યુશનરી ગાડ્ર્સે હોર્મુઝની સામુદ્રધુનીમાં બે ઓઇલ ટેન્કરોને દરિયાઈ સુરંગો સાથે અથડાતાં નુકસાન થયું હોવાનો દાવો કર્યો છે. એક ટેન્કરમાં ૨૦ લાખ બેરલથી વધુ ક્રૂડ ઓઇલ હોવાનો અહેવાલ છે. જોકે આ ઘટનાની તમામ વિગતોની સ્વતંત્ર પુષ્ટિ બાકી છે.