કેન્દ્ર સરકાર તા.૧પ ડિસેમ્બર આસપાસ સંસદનું શિયાળુ સત્ર બોલાવશે
(એજન્સી) નવી દિલ્હી તા.૨૬
કેન્દ્રની મોદી સરકાર દ્વારા નવા સિમાંકન-મહિલા અનામત ખરડાને સંસદમાં બે તૃતીયાંશ બહુમતી સાથે મંજુર કરાવવાના પ્રયાસો વચ્ચે હવે સંસદનું શિયાળુ સત્ર તા.૧૫ ડિસેમ્બર આસપાસ બોલાવે તેવી શકયતા છે. સરકારે તેના તમામ કેબીનેટ મંત્રીઓને ડિસેમ્બર મધ્ય અને તેની આસપાસના સમયમાં વિદેશ પ્રવાસ નહી ગોઠવવા તથા સંસદનાં સત્ર માટે તૈયાર રહેવા જણાવ્યુ છે. ગઈકાલે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તા.૧૫ ડિસેમ્બર આસપાસ સંસદનું સત્ર હશે તેવો સંકેત મંત્રીઓને આપી દીધો હતો.
સરકાર તેમાં જ બંધારણીય સુધારા વિધેયક રજુ કરે તેવી ધારરા છે. સરકારે હજુ સંસદના ચોમાસુ સત્રનું સત્રાવસાત જાહેર કર્યુ નથી અને તેની સતત અટકળો થઈ રહી છે પણ ડિસેમ્બરમાં સંસદનું શિયાળુ સત્ર મળતું હોય છે તેથી નવા સત્ર બોલાવતા પુર્વે ચોમાસુ સત્રને પુરુ થયેલુ જાહેર કરી શકે છે. જો કે સરકાર તેની સંસદીય વ્યુહરચના પર મૌન છે પણ હવે બન્ને બંધારણીય સુધારા ખરડા મંજુર કરાવવાનો મહત્વનો સમય છે.


