જૂનાગઢના ખેડૂતો માટે બાગાયત ખાતાની 3 નવી યોજનાઓ, I-Khedut 2.0 પર 15 ઓક્ટોબર સુધી કરી શકાશે અરજી
ફળપાકોના બહુસ્તરીય વાવેતર, આદુ-હળદર જેવા રાઈઝોમેટીક પાકોને પ્રોત્સાહન અને ફિલ્ડ કવરથી ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે યોજનાઓ અમલમાં; અરજી પહેલાં આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત
જૂનાગઢ,તા.૫
જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે વર્ષ 2026-27 દરમિયાન બાગાયત ક્ષેત્રે લાભ મેળવવાની નવી તક ઊભી થઈ છે. રાજ્ય સરકાર દ્વારા બાગાયત ખાતાની ત્રણ નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો લાભ લેવા ઇચ્છતા જિલ્લાના ખેડૂતોએ I-Khedut 2.0 પોર્ટલ મારફતે તા. 15 ઓક્ટોબર 2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
બાગાયત ખાતા દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ત્રણ નવી યોજનાઓમાં બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ, રાઈઝોમેટીક એટલે કે આદુ અને હળદર જેવા પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ તેમજ ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ સામેલ છે.
બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોના વાવેતર વિસ્તારને વધારવાના કાર્યક્રમ દ્વારા બાગાયતી ખેતીને વધુ પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે બીજી યોજના હેઠળ આદુ અને હળદર જેવા રાઈઝોમેટીક પાકોને પ્રોત્સાહન આપવામાં આવશે. ત્રીજી યોજના ફળપાકોમાં ફિલ્ડ કવરનો ઉપયોગ કરીને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા સાથે સંબંધિત છે.
આ ત્રણેય યોજનાઓનો લાભ મેળવવા માટે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે I-Khedut પોર્ટલ તા. 15/10/2026 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તેથી યોજનાનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતોએ નિયત સમયમર્યાદામાં ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
ખાસ કરીને વર્ષ 2026-27 માટે I-Khedut 2.0 પોર્ટલ પર અગાઉથી નોંધણી કરાવી ચૂકેલા તેમજ હવે નવી નોંધણી કરાવનારા ખેડૂતો માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. આધાર ઓથેન્ટિકેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ખેડૂત ઓનલાઈન અરજી કરી શકશે.
ઓનલાઈન અરજી કરતી વખતે અરજીમાં જણાવ્યા મુજબના જરૂરી દસ્તાવેજો પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. તમામ વિગતો અને જરૂરી કાગળો અપલોડ કર્યા બાદ ખેડૂતે અરજી કન્ફર્મ કરવાની રહેશે. અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢીને ખેડૂતે પોતાની પાસે સાચવી રાખવાની રહેશે.
યોજનામાં મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમિટ કરવાની પ્રક્રિયા દરમિયાન આ અરજીની પ્રિન્ટની નકલ પર ખેડૂતે સહી કરવાની રહેશે. ત્યારબાદ જરૂરી સાધનિક કાગળો સાથે અરજીની નકલ જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાની રહેશે.
આથી બાગાયત ક્ષેત્ર સાથે જોડાયેલા અને નવી ત્રણ યોજનાઓનો લાભ લેવા ઇચ્છતા જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને છેલ્લી તારીખની રાહ જોયા વગર I-Khedut 2.0 પોર્ટલ પર જરૂરી નોંધણી, આધાર ઓથેન્ટિકેશન અને અરજીની પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે.
આ યોજનાઓ અથવા અરજી પ્રક્રિયા અંગે વધુ માહિતી મેળવવા ખેડૂતો નાયબ બાગાયત નિયામકની કચેરી, સરદાર બાગ પાસે, નીલમબાગ, લઘુકૃષિભવન, જૂનાગઢ ખાતે રૂબરૂ સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત કચેરીના ફોન નંબર 0285-2635019 પર ટેલિફોનિક સંપર્ક કરીને પણ જરૂરી માહિતી મેળવી શકાશે તેમ નાયબ બાગાયત નિયામક, જૂનાગઢની અખબારી યાદીમાં જણાવાયું છે.


