મેંદરડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશભાઈ ઠુંમર દ્વારા ભાજપનું સ્નેહ મિલન યોજાયું
(નરેશ પુરોહિત દ્વારા)
મેંદરડા તા.૧૯
મેંદરડા-૨૨ જિલ્લા પંચાયત સીટના ભાજપના સભ્ય અસ્મિતાબેન હરેશભાઈ ઠુંમર તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશભાઈ ઠુંમર દ્વારા નાની ખોડીયાર ફાર્મ હાઉસ ખાતે એક ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ત્રણ હજારથી વધુ આગેવાનો, કાર્યકર ભાઈઓ-બહેનો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. આ સ્નેહ મિલન સમારોહમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, મેંદરડા યાર્ડના ચેરમેન તથા તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ રાજાણી, હિરેનભાઈ સોલંકી, વીનુંભાઈ કથીરિયા અને વીનુંભાઈ રાખસિયા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાલુકાના વિવિધ ગામોના સરપંચઓ, સામાજિક, રાજકીય અને વેપારી આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશભાઈ ઠુંમરે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ગામડાઓનો વધુમાં વધુ વિકાસ થાય તેવી નેમ વ્યક્ત કરી હતી. તેમણે આવનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સૌને પરસ્પર ભાઈચારાની ભાવના જાળવી રાખવા અને એકસંપ થઈને ગામના વિકાસમાં સહભાગી થવા અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ પરિવારોએ સાથે મળીને સમૂહ ભોજનનો આનંદ માણ્યો હતો.


