વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર રામાશ્રય પાંડેએ વેરાવળ તેમજ સોમનાથ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી
(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.૧ર
વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે વેરાવળ તેમજ સોમનાથ રેલવે સ્ટેશન પરના કાર્યની સમીક્ષા કરવા મુલાકાતે પધાર્યા હતા. ત્યારે ભાવનગર ડિવિઝનના ડિવિઝન રેલ્વે મેનેજર દિનેશકુમાર વર્મા અને સિનિયર ડ્ઢઝ્રસ્ અતુલકુમાર ત્રિપાઠી સાથે ભાવનગર ડિવિઝનના એન્જિનિયર ડિપાર્ટના અધિકારીઓ તેમજ વેરાવળ સ્ટેશન માસ્તર એલ.એમ. મહાપાત્રા તેમના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન અને પૂજા કરી વેરાવળ સ્ટેશન આગમન સમયે વેસ્ટર્ન રેલવે ડિવિઝન યુઝર્સ કમિટીના સભ્ય અનિસ રાચ્છ તેમજ વેરાવળ રેલવે યાત્રી કમિટીના મુકેશભાઈ ચોલેરા, લાલચંદભાઈ પરશુરામ, ગજેન્દ્રભાઈ અપારનાથીએ રામાશ્રય પાંડેનું ફૂલ ગુજતી સ્વાગત કરી સોમનાથ મહાદેવની સ્મૃતિચીન અર્પણ કરી વેરાવળ તેમજ સોમનાથ સ્ટેશન અંગેના પ્રશ્નો લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. જેમાં મુખ્ય સોમનાથ રેલવે સ્ટેશન વહેલી તકે શરૂ કરવા સુચના આપવા રજૂઆત બાદ વેરાવળ રેલવે સ્ટેશન પર ઘણા લાંબા સમયની પડતર માંગણીઓ પૈકી નંબર બે પર એક્સીલેટર અથવા લિફ્ટ મૂકવા તેમજ સ્ટેશનની બહાર જવા માટે ફ્લાય ઓવર નવો બનાવવા તેમજ વેરાવળથી હરિદ્વારની એક મહિના માટે શરૂ કરાયેલ ટ્રેનને કાયમી માટે ફાળવવા ધારદાર રજૂઆત કરી હતી. સાથે વેરાવળ એસોસિએશન અને સામાજિક સંસ્થાઓના લેટરપેડ પર પણ આ માંગણીઓ લેખિતમાં રજૂ કરાઈ હતી ત્યારે રામાશ્રય પાંડે દ્વારા તમામ લેખિત મૌખિક માંગણીઓ પર નોટેડ કરી અને ઝડપી કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચન કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલખનીય છે કે સોમનાથ રેલવે સ્ટેશન પરનું કાર્ય ખૂબ જ ધીમી ગતિથી ચાલતું હોય તેને પણ ઝડપી બનાવવા માટે સૂચના અપાયેલ છે.
વહેલી તકે સોમનાથ રેલવે સ્ટેશનને શરૂ કરવા ગતિવિધિ હાથ ધરવામાં આવશે. વેરાવળ રેલવે સ્ટેશન પર વધુ ટ્રેન ઉભી રાખવા અને સોમનાથ સ્ટેશન શરૂ થાય ત્યારે વેરાવળને પણ લાંબા અંતરની વધુ ટ્રેનો મળે તે માટે રેલવેની પડતર જગ્યાની સમીક્ષા કરવા પણ સુચના અપાય છે.


