પૂનમ નિમિતે શ્રી કષ્ટભંજનદેવ દાદાને ફૂલોનો દિવ્ય શણગાર એવં અંડરવોટર થીમ આધારિત શણગાર કરી ભવ્ય છપ્પન ભોગ અન્નકૂટ ધરાવાયો
(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.ર૬
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણા વાળા)ની પ્રેરણાથી પૂનમ નિમિતે તા.૨૬-૯-૨૦૨૬ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને રિયલ ડાયમંડ મુકુટ, ફૂલોનો દિવ્ય શણગાર એવં અંડરવોટર થીમ(દરિયાઈ સૃષ્ટિ) આધારિત શણગાર કરી ભવ્ય છપ્પન ભોગ અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો. ગર્ભગૃહમાં સિંહાસનને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી અને સવારે ૭ કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં મારૂતિર યજ્ઞનું આયોજન આરાયું હતું. અનેક ભક્તો દ્વારા દાદાને ધજા ચઢાવાઈ હતી. આ દર્શન અને મહાપ્રસાદનો અનેક ભક્તોએ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. મહત્વનું છે કે, શ્રીકષ્ટભંજનદેવને દરિયાઈ થીમ અનુસાર સુંદર શ્વેત વસ્ત્રો અને મોતી તથા ફૂલોથી મઢેલા હંસ આકારના વિશેષ વાઘાનો શણગાર ધરવામાં આવ્યો છે. મંદિરના ગર્ભગૃહમાં દરિયાઈ પરવાળા વિશાળ શંખ, મોતી અને સમુદ્રની સુંદર કલાત્મક ઝાંખી ઊભી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે દાદાને છપ્પન ભોગ અન્નકૂટમાં મિઠાઈઓ, ફરસાણ અને પકવાન્નોનો અન્નકૂટ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. સાંજે ૫ કલાકે શ્રીકષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દાદાને દિવ્ય શણગાર સાથો સાથ ફળ, પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવશે, સાંજે ૭ કલાકે દાદાની દિવ્ય સંધ્યા આરતી કલાકે કરવામાં આવશે.


