વેરાવળમાં માછીમારોને પ્રવેશ પાસ વિતરણનો રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ યોજાશે

વેરાવળમાં માછીમારોને પ્રવેશ પાસ વિતરણનો રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ યોજાશે

વેરાવળ તા. ૧૪
વેરાવળના કે.સી.સી. મેદાન ખાતે તા. ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ એક્સક્લૂઝીવ ઈકોનોમિક ઝોન અંતર્ગત માછીમારોને પ્રવેશ પાસ વિતરણનો રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ કે.સી.સી. મેદાન ખાતે યોજાવાનો છે. આ કાર્યક્રમના સુચારુ આયોજન સંદર્ભે કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય એ માટે ઉપસ્થિત સર્વે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
નિવાસી અધિક કલેક્ટરએ મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, કાર્યક્રમના સ્થળે વીજ પુરવઠો, વાહનવ્યવહાર અને પાર્કિંગ તેમજ ટ્રાફિક નિયમન, લાભાર્થીઓને કાર્યક્રમ સ્થળે લાવવાની આનુષાંગિક વ્યવસ્થાઓ સહિતના મુદ્દે ઉપસ્થિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, દરેક યાંત્રિક ફિશિંગ બોટો દ્વારા ૧૨ નોટિકલ માઈલની બહાર ફિશિંગ કરવા માટે દરેક બોટ માલિકે પોતાની બોટમાં પ્રવેશ પાસ (Access Pass) મેળવી લેવો અનિવાર્ય છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રાજિવ રંજન સિંહ ઉર્ફ લલ્લન સિંહ, પ્રોફેસર એસ.પી.સિંહ બઘેલ, જ્યોર્જ કુરિયન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મહાનુભાવોના હસ્તે ૧૨ રાજ્યના માછીમારોને પ્રવેશ પાસ વિતરણ કરવામાં આવશે. 
આ બેઠકમાં પ્રાંત અધિકારી વિનોદ જાેશી, નાયબ પોલીસ અધિક્ષક સી.પી.ખટાણા, માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને પંચાયત, વાહનવ્યવહાર, સહિત સાગરપુત્ર ફાઉન્ડેશન, ભીડિયા ખારવા સમાજ, ભીડિયા કોળી સમાજ, ખારવા સમાજ, સદભાવના ફાઉન્ડેશન અને સી ફૂડ એક્સપોર્ટ એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.