દ્વારકા-ઓખા હાઈવે પર 19 વર્ષીય યુવકનો મૃતદેહ મળતા ચકચાર
અકસ્માત કે હત્યા ? પોલીસે તપાસ હાથ ધરી
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.20
દ્વારકા-ઓખા હાઈવે પર ગઈકાલે મંગળવારે એક યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. જામનગરથી ભીમરાણા તરફ જવા નીકળેલા યુવરાજસિંહ જાડેજા (ઉં.વ. 19) નામના યુવાનનો મૃતદેહ માર્ગ કિનારે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. મૃતદેહ નજીકથી તેની એક્સેસ મોટરસાયકલ પણ મળી આવતા ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસની કાર્યવાહી શરૂ કરી હતી. યુવકના શરીરે ગંભીર ઇજાના નિશાન જોવા મળતા પ્રાથમિક રીતે અકસ્માતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે ઘટનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હત્યાની સંભાવનાને પણ નકારી શકાય તેમ નથી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયો છે. સાથે જ આસપાસના વિસ્તારોમાંથી માહિતી એકત્રિત કરવાની તેમજ સીસીટીવી ફૂટેજ, મોબાઈલ ડિટેલ્સ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. આ બનાવને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે ચર્ચા જાગી છે. યુવરાજસિંહનું મોત અકસ્માત છે કે આત્મહત્યા તે અંગેનો ભેદ હવે પોલીસ તપાસ બાદ જ ખુલશે. હાલ સમગ્ર મામલે પોલીસે અકસ્માત અને હત્યા એમ બંને એંગલ પરથી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
મૃતક - યુવરાજસિંહ જાડેજા ઉ.વ. 19


