ગીર સોમનાથ જીલ્લામાં 1 જુનથી 31 જુલાઈ સુધી માછીમારોનું 61 દિવસનું વેકેશન
સોમનાથ -વેરાવળ, સુત્રાપાડા, ધામળેજ, નવાબંદર, મુળદ્વારકા સહિતનો સાગર બનશે સુમસામ સુધારેલા નિયમ મુજબ 76 દિવસનો દરીયામાં માછીમારી ઉપર પ્રતિબંધ રહેશે
(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ પાટણ, તા.18
સમગ્ર ગીર સોમનાથ જીલ્લાનો 110 કીમીનો દરીયો 1 જુન 2026થી 15 ઓગષ્ટ 2026 એટલે કે 76 દિવસ સુધી દરીયામાં માછીમારી માટે પ્રતિબંધ રહેશે. માછલીઓના સંર્વધન માટે સરકારના મહત્વના નિર્ણયસમુ આ અંગે એક જાહેરનામુ પણ બહાર પાઠવામાં આવેલ છે જેમાં રાજયના કૃષિ ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા 1 જુનથી 31 જુલાઈ 2026 અને ગુજરાત મત્સય ઉદ્યોગના 2020ના ફેરફાર મુજબ આ પ્રતિબંધ 1 જુનથી 15 ઓગષ્ટ 2026 સુધી કુલ 76 દિવસ સુધીનો પ્રતિબંધ રહેશે.
આ આદેશનો ભંગ કરનાર સામે ગુજરાત મત્સય ઉદ્યોગ કાયદો 2003ની કલમ 6/1 (ટ)ના ભંગ બદલ કલમ 21/1 (ચ) મુજબ દંડને પાત્ર થશે. રાજય આ પ્રતિબંધમાંથી નોન મોટરાઈઝ ક્રાફટ (લાકડાની બિન યાંત્રીક) એક લકડી હોડી અને શઢવાળી હોડી તથા પગડીયા માછીમારોને બાકાત રાખવામાં આવેલ છે.
વેકેશન ગાળામાં સાગર ખેડુ-માછીમારો પરીવારમાં લગ્નોત્સવ, યાત્રાસ્થળોનો પ્રવાસ, બોટ સમારકામ, રીપેરીંગ, રંગકામ, જાળ ગુંથણી, હિસાબ-કિતાબ, કોલ્ડ સ્ટોરેજના સાધનોની સાફસુફી નવી બોટો બનાવવાનું આયોજન, દરીયામાંથી બંદરે આવેલી બોટોને ક્રેઈનો દ્વારા વેકેશન પીરીયડમાં કાંઠે ચડાવવી, કોઈ ટુંકો સમયપુરતો વ્યવસાય મળે તેમાં જાેડાવું, સ્થાનિક ધર્મધ્યાન, ધુનમંડળમાં ભાગ લેવો સહીતની પ્રવૃતિઓમાં કાર્યશીલ રહે છે.


