ધારાસભ્ય હાર્દિક પટેલ સામેનું ધરપકડ વોરંટ હાઈકોર્ટે રદ કર્યુ
અમદાવાદ,તા.૧
વર્ષ ૨૦૧૮માં પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલ પોલીસ મથકે પાટીદાર નેતા અને વર્તમાન વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે IPCની કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૩૫૩, ૧૮૮, ૧૮૬, ૧૨૦, ૨૯૪, ૩૪ અને ૫૦૬ મુજબ ગુનો નોંધાયો હતો. જે સંદર્ભનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ થયો હતો. જેમાં કેસ અત્યારે આરોપી ઉપર ચાર્જ ફ્રેમના સ્ટેજ ઉપર છે, પરંતુ આરોપી હાજર ન રહેતા વર્તમાન વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. આ વોરંટને હાર્દિક પટેલે હાઇકોર્ટમાં પડકાર્યું હતું અને હવેથી કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવાની બાહેંધરી આપતા હાઇકોર્ટે હાર્દિક પટેલ સામેનું ધરપકડ વોરંટ રદ્દ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓ પાટીદારોને અનામત આપવાની માંગણી અને ખેડૂતોના દેવા માફીની માંગણી સાથે નિકોલમાં પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું હતું. જેમાં ફરિયાદ અનુસાર આરોપીઓએ વગર પરવાનગી, પુર્વ આયોજિત કાવતરું કરીને કરેલી કાઢીને નિકોલના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે પ્રતિક ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું. જેમાં રેલીને અટકાવવામાં આવતા તેઓ ઉશ્કેરાયા હતા. આરોપીઓએ પોલીસને અપશબ્દો કહીને ઝપાઝપી કરી હતી અને ધમકી આપી હતી. તેમજ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો.


