ફેક ફોન-પે એપ્લીકેશનથી લોકો સાથે છેતરપીંડી કરનાર સુરતના રત્નકલાકારને જૂનાગઢ પોલીસે ઝડપી લીધો : ૧ર ગુનાનો ભેદ ઉકેલાયો

ફેક ફોન-પે એપ્લીકેશનથી લોકો સાથે છેતરપીંડી કરનાર સુરતના રત્નકલાકારને જૂનાગઢ પોલીસે ઝડપી લીધો : ૧ર ગુનાનો ભેદ ઉકેલાયો

જુનાગઢ તા.૮
છેલ્લા કેટલાય સમયથી સાયબર ફ્રોડના બનાવો સતત વધી રહ્યા છે. દરમ્યાન આવો જ એક સાયબર ફ્રોડનો બનાવ બહાર આવ્યો છે. જેમાં સાયબર ફ્રોડનો ગુનો આચરતો શખ્સ ફિલ્મી સ્ટાઈલથી લોકો સાથે છેતરપીંડી કરતો હોવાનું બહાર આવેલ છે. સી-ડીવીઝન પોલીસે આ બનાવની જીણવટભરી તપાસ હાથ ધરી અને ફેક ફોન-પે એપ્લીકેશન દ્વારા લોકો સાથે હજારોની ઠગાઈ કરતા સુરતના એક શખ્સને ઝડપી લઈ અને ૧ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. 
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જુનાગઢ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે સામે આવ્યો હતો. ૧૬ નવેમ્બરના જુનાગઢના બહાઉદ્દીન કોલેજ સામે આવેલા બેંક ઓફ બરોડાના ATM પાસે રોકડ જમા કરાવવા આવેલા બે નાગરિકો ભોગ બન્યા હતા. વંથલીના દૂધના વેપારી સહિતના એક નાગરિક પાસેથી ૧૨,૦૦૦ રોકડા મેળવ્યા બાદ ઠગે પોતાના મોબાઇલમાં ખોટી PhonePe એપ દ્વારા ઓનલાઇન ટ્રાન્જેક્શન સફળ થયું હોવાનો ખોટો મેસેજ બતાવ્યો હતો. આ જ પ્રકારે, સાક્ષી રોહિતભાઈ પાસેથી પણ ATMમાં જમા કરાવવાના ૭૦૦૦ રોકડા લઈ ઠગાઈ કરવામાં આવી હતી. કુલ ૧૯૦૦૦ આ છેતરપિંડી બાદ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા IT એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
Dy.SP હિતેશ ધાંધલ્યાએ આ એનડિટેકટ ગુનાને તાત્કાલિક શોધી કાઢવા માટે સી-ડિવિઝન પીઆઈ એ.બી. ગોહિલને સૂચના આપી હતી. તાત્કાલિક સર્વેલન્સ સ્ટાફની ટીમ બનાવી અને ગુના નિવારણ શાખાને સક્રિય કરી હતી.
ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બાતમી મેળવવામાં આવી હતી. આ બાતમીના આધારે આખરે ઠગાઈ આચરનાર મૂળ અમરેલીનો અને હાલ સુરત રહેતા ૨૦ વર્ષીય આરોપી રૂદ્ર અશોકભાઇ સાવજને એક મોબાઇલ અને બે સીમ કાર્ડ સાથે પકડી પાડવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં આરોપીએ ગુનાની એમ.ઓ કબૂલી હતી અને પોલીસ સામે જ તેને ડેમો બતાવી કહ્યું કે, તે કેવી રીતે છેતરપિંડી આચરતો હતો. તેણે પોલીસ સામે ઓરિજીનલ દેખાતી ફેક PhonePe એપ્લિકેશન ખોલી. પોલીસે જ્યારે પોતાના ફોનથી QR સ્કેન કરવા આપ્યું તો, આરોપીએ પોતાની ફેક એપ્લિકેશનમાંથી સ્કેન કરી અને ૨૦૦૦ ટ્રાન્સફર કરવા એમાઉન્ટ નાખી અને પાસવર્ડમાં કોઈપણ રેન્ડમ નંબર નાખ્યો. આરોપીએ કબૂલ્યું કે, ટ્રાન્સફર કરવાની એમાઉન્ટ નાખ્યા પછી પાસવર્ડ માગવામાં આવે છે, ત્યારે કોઈપણ નંબર આપણે પાસવર્ડ તરીકે નાખી શકીએ છીએ. અને જેવું તમે પાસવર્ડ નાખીને ક્લિક કરશો એટલે ટ્રાન્જેક્શન સક્સેસફુલનો મેસેજ આવશે. પોલીસે અલગ અલગ રકમ નાખવા આરોપીને કહ્યું તો આરોપીએ ૫૦ લાખ સુધીની એમાઉન્ટ ટ્રાન્સફર કરી બતાવી. તો એ પણ એક ક્લિક પર થઈ ગઈ હતી.
આ કામનો આરોપી રૂદ્ર સાવજ PhonePe જેવી જ દેખાતી એક ખોટી/ફેક એપ્લીકેશનનો ઉપયોગ કરતો હતો. તે જાણી જોઈને અલગ અલગ બેન્કોના ATM પાસે ઊભો રહેતો. જ્યારે નાગરિકો રોકડ રકમ ATMમાં જમા કરાવવા આવતા, ત્યારે તે તેમને વિશ્વાસમાં લેતો કે તે તેમની રોકડ રકમ લઈ પોતાના ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્સફર કરી આપશે. નાગરિકો પાસેથી રોકડ લીધા બાદ, તે તેમનું Google Pay/PhonePe સ્કેનર માંગતો અને સ્કેન કરતો. જોકે, તે ખરેખર ટ્રાન્સફર કરવાને બદલે, તેની ફેક એપ દ્વારા સક્સેસફુલ ટ્રાન્જેક્શનનો ખોટો મેસેજ બતાવીને નાગરિકોને ભોળવી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરતો હતો. આ પદ્ધતિના કારણે ભોગ બનનારને તુરંત ખ્યાલ આવતો નહોતો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે.
પોલીસની પૂછપરછમાં આરોપી રૂદ્ર સાવજે કબૂલાત કરી હતી કે તેણે માત્ર જૂનાગઢમાં જ નહીં, પરંતુ ગુજરાતના ચાર મુખ્ય શહેરોમાં આ મોડસ ઓપરેન્ડી દ્વારા કુલ ૧૨ ગુનાઓ આચર્યા છે, જેમાં અત્યાર સુધીમાં તેણે કુલ રૂા.૮૦,૫૦૦ની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ ગુનાઓ મુખ્યત્વે ATMની બહાર રોકડ જમા કરાવવા આવતા લોકો સાથે આચરવામાં આવ્યા હતા. તેણે સુરત, અમદાવાદ, રાજકોટ અને જુનાગઢ અત્યાર સુધીમાં કુલ ૮૦,૫૦૦ની ઠગાઈની કબૂલાત કરી છે. આ કબૂલાત દર્શાવે છે કે આ ઠગ એક વિસ્તારમાં ગુનો આચરીને તરત જ અન્ય શહેરોમાં જતો રહેતો હતો.
આ ૧૨ ગુનાઓમાં, જૂનાગઢના બહાઉદ્દીન કોલેજ પાસેની રૂા. ૧૨૦૦૦ની છેતરપિંડી ઉપરાંત, જૂનાગઢના કાળવા ચોક પાસે SBI ATM ૭૦૦૦ અને સર્કલ ચોક પાસે BOI ATM માંથી રૂા.૩૫૦૦ની ઠગાઈનો પણ સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓ વિરૂધ્ધ હવે કાયદેસર ગુનો નોંધીને વધુ તપાસ સી-ડિવિઝન પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.