જૂનાગઢ : રાજીવનગર વિસ્તારમાંથી રૂા.૧૭.ર૩ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
કુખ્યાત બૂટલેગરના ઘરમાં રસોડાના પ્લેટફોર્મ નીચે ‘ભોયરૂ‘ બનાવી લાખોનો દારૂ છુપાવ્યો : પોલીસે મુદ્દામાલ કબ્જે કરી ૩ વિરૂધ્ધ ગુનો નોંધ્યો
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.પ
જુનાગઢ રેન્જ આઈજી સ્ક્વોડે શહેરના રાજીવનગરમાં દરોડો પાડીને એક કુખ્યાત બૂટલેગરના મકાનમાંથી આશરે 17.93 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર રેન્જ આઈજી સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી કે, રાજીવનગરમાં રહેતા રાણા લાખાભાઈ ચાવડા અને તેના ભાઈ હીરા લાખાભાઈ ચાવડાના કબજાવાળા મકાનોમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંગ્રહ કરેલો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક પંચોને સાથે રાખીને દરોડાની કાર્યવાહી શરૂ કરી. પ્રથમ મકાનમાં તપાસ કરતાં ઘર વખરીનો સામાન્ય સામાન અને ખુલ્લી ઓસરી, બે રૂમ અને રસોડું તપાસતા કંઈ મળ્યું નહીં, પરંતુ પોલીસની નજર રસોડામાં ગઈ. રસોડામાં વોશબેસિનની નજીક બનાવેલા પ્લેટફોર્મની નીચેના ભાગમાં લાકડાના ડ્રોઅરવાળું ફનિર્ચર (કબાટ) બનાવેલું હતું. આ ફનિર્ચરમાં કુલ ત્રણ અલગ-અલગ પાર્ટ હતા. પોલીસે જ્યારે આ પાર્ટ્સની ઝીણવટભરી તપાસ કરી, ત્યારે તેમની શંકા સાચી પડી. ડ્રોઅરની ગોઠવણ કરી કબાટના ત્રણ પાર્ટમાંથી, વચ્ચેનો પાર્ટ સંપૂર્ણપણે બહાર નીકળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વચ્ચેનો પાર્ટ દૂર થતાં જ, નીચેના ભાગમાં ફોલ્ડિંગ કરેલી એક ટાઇલ્સ નજરે પડી. આ ટાઇલ્સને ઉપરની તરફ ખેંચતા જ નીચે ભોયરૂ જાેવા મળેલ જેમાં કુલ 3,348 દારૂની બોટલો નાની મોટી બોટલ સહિત રૂા.17,93,200નો દારૂનો જથ્થા સાથે એક રીક્ષા GJ 07 AT 0877 કિં.રૂા.45,000 અને બાજુના બંધ મકાનમાંથી મારૂતી સુઝુકી સ્વીફ્ટ કાર GJ 15 PP 9925 કિં.રૂા. 1,00,000 સહિત 18,73,200નો મુદ્દામાલ કબ્જે કરી આ ગુનામાં પોલીસે મુખ્યત્વે રાણા લાખાભાઈ ચાવડા, હીરા લાખાભાઈ ચાવડા, નીલેશ ઉર્ફ ભદો મહેશભાઇ કટારા સામે ગુનો દાખલ કર્યો છે, જેઓ દરોડા દરમિયાન હાજર મળી આવ્યા ન હતા. જુનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટની કલમ 65 (A), 65(C), 65(E), 81, 98(2) મુજબ ગુનો નોંધીને, રેન્જ આઈજી સ્ક્વોડે ફરાર બૂટલેગરોને ઝડપી પાડવા માટે વિશેષ શોધખોળ શરૂ કરી દીધી છે.


