ટ્રમ્પને તમાચો : ભારતીય મુળના ઝોહરાન મામદાનીની ન્યૂયોર્કના મેયર પદે ઐતિહાસીક જીત

ભારતીય ફિલ્મ મેકર મીરા નાયરના પુત્ર ઝોહરાન મામદાનીએ મેયર બનતાની સાથેજ ટ્રમ્પને પડકાર ફેંકયો : વિડીયો જારી કર્યો

ટ્રમ્પને તમાચો : ભારતીય મુળના ઝોહરાન મામદાનીની ન્યૂયોર્કના મેયર પદે ઐતિહાસીક જીત


(એજન્સી)         વોશિંગ્ટન, તા.૫
અમેરિકાના ન્યૂયોર્ક શહેરની મેયરપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર ભારતીય મૂળના જોહરાન મમદાનીએ ઐતિહાસિક જીત મેળવી છે. અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા વિરોધ અને ટીકાઓ છતાં મમદાનીએ પૂર્વ ગવર્નર અને અપક્ષ ઉમેદવાર એન્ડ્ર્યુ કુઓમો તથા રિપબ્લિકન ઉમેદવાર કટિર્સ સ્લીવાને હરાવીને અમેરિકાના સૌથી મોટા શહેરનું નેતૃત્વ પોતાના હાથમાં લઈ લીધું છે. તે સાથે મમદાની ન્યુયોર્કના પ્રથમ ભારતીય અમેરિકન મુસ્લિમ મેયર બની ગયા છે. 
આ ચૂંટણીને ડોનાલ્ડ ટ્રમ્પ પછીના યુગની પ્રથમ મોટી રાજકીય પરીક્ષા માનવામાં આવી રહી હતી. ન્યૂયોર્કના ચૂંટણી બોર્ડના જણાવ્યા અનુસાર, આ વખતે ૨૦ લાખથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું, જે ૧૯૬૯ પછીની મેયરપદની ચૂંટણીમાં થયેલું સૌથી વધુ મતદાન છે. આ રેકોર્ડબે્રક મતદાનને કારણે પ્રતિસ્પર્ધીઓ ચિંતિત હતા. મમદાની ૯૪૮ર૦ર (પ૦.૬ ટકા) મત મેળવીને વિજેતા બન્યા હતા.
જોહરાન મમદાનીએ આર્થિક અસમાનતાને દૂર કરવા માટે ક્રાંતિકારી ફેરફારોની હિમાયત કરી છે. તેમના પ્રેરણાદાયક દ્રષ્ટિકોણ અને નીડર એજન્ડાએ ન્યૂયોર્કના હજારો યુવા સમર્થકોને તેમની તરફેણમાં કર્યા છે.
મમદાનીના અચાનક ઉદયે ન્યુયોર્કના ધનિક વર્ગને ચોંકાવી દીધો છે. મમદાનીને તેમની ચૂંટણી ઝુંબેશમાં અમેરિકાના પ્રગતિશીલ રાજકારણના મોટા ચહેરાઓ જેવા કે સેનેટર બર્ની સેન્ડર્સ અને પ્રતિનિધિ એલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો-કોર્ટેઝનું પણ સમર્થન મળ્યું હતું. ઝોહરાન મમદાનીની વય ૩૪ વર્ષ છે. તેમનો જન્મ યુગાન્ડામાં થયો હતો અને તેમનો ઉછેર ન્યૂયોર્ક સિટીમાં થયો હતો. તેઓ ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીના સભ્ય અને ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ છે. મામદાનીનો મુકાબલો ન્યૂ યોર્કના ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમો અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર કટિર્સ સ્લિવા સામે હતો. આ ચૂંટણીમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક જેવી અગ્રણી હસ્તીઓએ ન્યૂયોર્કના ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોને સમર્થન આપ્યું હતું.
ઝોહરાન મમદાનીના પિતા, મહમૂદ મમદાની, ૧૯૭૨માં યુગાન્ડાના સરમુખત્યાર ઇદી અમીન દ્વારા હાંકી કાઢવામાં આવેલા અંદાજિત ૬૦,૦૦૦ એશિયનોમાંના એક હતા. તેમનો પરિવાર પહેલા કેપટાઉન અને પછી ન્યૂયોર્ક સિટીમાં સ્થાયી થયો. તે સમયે ઝોહરાન માત્ર ૭ વર્ષનો હતા. ઝોહરાન મમદાનીએ કહ્યું છે - “હું એવા મેયર બનવાનો પ્રયત્ન કરીશ જેના પર તમે ગર્વ કરી શકો. હું દરેક ન્યૂયોર્કરનો મેયર બનીશ.”