૧૦૦૦ કરોડની સાયબર છેતરપીંડીના કેસમાં સીબીઆઈએ ૪ ચીની નાગરીકો વિરૂધ્ધ ચાર્જસીટ દાખલ કરી
(એજન્સી) નવી દિલ્હી તા.૧પ
કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ આંતરરાષ્ટ્રીય સાયબર અપરાધમાં સામેલ ચાર ચીની નાગરિકો અને ૫૮ કંપનીઓ સહિત ૧૭ લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. અધિકારીઓએ રવિવારે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ આરોપીઓએ સોથી વધુ નકલી કંપનીઓ બનાવી અને લગભગ ૧ હજાર કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરી હતી. આ તમામ સાયબર છેતરપિંડી કરનારા એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે જોડાયેલા હતા, જે શેલ કંપનીઓ દ્વારા છેતરપિંડી કરતા હતા. આ નેટવર્ક પોન્ઝી યોજનાઓ અને મલ્ટી-લેવલ માર્કેટિંગ (સ્ન્સ્) મોડેલની સાથે-સાથે નકલી એપ અને જોબ ઓફર દ્વારા લોકોને પોતાની જાળમાં ફસાવતું હતું. સીબીઆઈ દ્વારા ભારતીય સાયબર ક્રાઈમ કોઓડિર્નેશન સેન્ટર પાસેથી મળેલી માહિતીના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ ગયા ઓક્ટોબર મહિનામાં સાયબર છેતરપિંડીના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. તપાસ ટીમોએ આ સંગઠિત નેટવર્ક શોધી કાઢ્યું હતું, જે અલગ-અલગ પ્રકારના સાયબર ફ્રોડ કરતું હતું. આ સાયબર ઠગો ફર્જી લોન, ફર્જી રોકાણ યોજનાઓની લાલચ આપીને લોકોને પોતાની જાળમાં ફસાવતા હતા.


