ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ કહ્યું ધોની, વિરાટ અને રોહિતની કેપ્ટનશીપની પોતાની શૈલી છે
તેણે કહ્યું કે, મુશ્કેલ સમયમાં ફક્ત મારા પ્રિયજનો, પરિવાર અને નજીકના મિત્રો જ મારી સાથે રહ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૦
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ સિરીઝ અને ભારત ટીમમાંથી પણ બહાર રાખવામાં આવ્યો છે. ભારતીય ટીમની જાહેરાત બુધવારે (પાંચમી નવેમ્બર) કરવામાં આવ્યા બાદ, ગુરુવારે (છઠ્ઠી નવેમ્બર) શમીએ પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે ચાહકોના અનેક રસપ્રદ સવાલોના જવાબ આપ્યા હતા.
ચાહકો દ્વારા સૌથી વધુ પૂછાયેલા સવાલનો જવાબ શમીએ સ્પષ્ટતાપૂર્વક આપ્યો, જેમાં તેણે ત્રણેય મહાન કેપ્ટનની તુલના કરવાનો ઇનકાર કરતા કહ્યું કે, આ સવાલ મને ૧૦ હજારથી વધુ વખત પૂછવામાં આવ્યો છે. ધોની, વિરાટ અને રોહિત બધા અલગ અલગ વિચાર અને પદ્ધતિઓ સાથે ટીમનું નેતૃત્વ કરે છે. ત્રણેયની કેપ્ટનશીપની પોતાની શૈલી છે. શમીએ સમજાવ્યું કે કેપ્ટનશીપ ટીમના સંયોજન અને ખેલાડીઓની ભૂમિકા પર આધાર રાખે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે,ત્રણેયની તુલના કરવી યોગ્ય નથી, કારણ કે તે બધા ભારતીય ક્રિકેટમાં મોટા નામ છે. મને નથી લાગતું કે ત્રણેય વચ્ચે કોઈ સરખામણી થઈ શકે. તેથી, ચાહકોએ આ સવાલ ન પૂછવો જાેઈએ.
ચાહકોએ જ્યારે શમીને તેના સંઘર્ષ અને દુ:ખના સમયમાં કોણ તેની સાથે ઊભું રહ્યું તે વિશે પૂછ્યું, ત્યારે તેણે ભાવુક જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે, મુશ્કેલ સમયમાં ફક્ત મારા પ્રિયજનો, પરિવાર અને નજીકના મિત્રો જ મારી સાથે રહ્યા છે. દુશ્મનો ક્યારેય કોઈની મદદ કરવા આવતા નથી. મોહમ્મદ શમીએ જવાબ આપ્યો કે, સફળતા એ સખત મહેનત, સમર્પણ અને કૌશલ્યનું પરિણામ છે. પહેલા નક્કી કરવું મહત્ત્વપૂર્ણ છે કે કયું ક્ષેત્ર અપનાવવું. ત્યાર પછી સખત મહેનત, પરિણામો અને નસીબ ભૂમિકા ભજવે છે. કોઈપણ વ્યવસાયમાં સફળતા માટે વફાદારી અને પ્રતિબદ્ધતા જરૂરી છે. સખત મહેનત એટલી હદે હોવી જાેઈએ કે લોકો તમને પાગલ કહે, કારણ કે મોટી સફળતા સખત મહેનત અને જુસ્સામાં રહેલી છે. તમે જેટલી મહેનત કરશો, તેટલા સારા પરિણામો તમને મળશે.


