સોમનાથ કોરિડોર મુદ્દો ફરી ભભૂકતા મળેલ બેઠકમાં તંત્ર સામે ગંભીર આક્ષેપો થતા ચકચાર
અસરગ્રસ્તોનો ફરી બુલંદ અવાજ “કોઈપણ ભોગે કોરિડોર સ્વીકાર્ય નથી” હોવાનો સુર વ્યક્ત થયો
(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ, તા.૪
સોમનાથમાં પ્રસ્તાવિત કોરિડોર વિકાસની ચર્ચાઓ છેલ્લા કેટલાક સમયથી ફરી ગરમાયેલી છે. થોડા સમય સુધી શાંત બનેલો આ મુદ્દો હવે ફરી એકવાર ચરમસીમાએ પહોંચતા પ્રભાસ હિત રક્ષક સમિતિએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. સોમનાથ લોહાણા મહાજન વાડી ખાતે મળેલ બેઠકમાં ગામના વિવિધ સમાજના આગેવાનો તથા અસરગ્રસ્તો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન સમિતિના પ્રમુખ હેમલચંદ્ર ભટ્ટ અને ઉપપ્રમુખ બાલાભાઈ શામળાએ તંત્રની કાર્યશૈલી પર ગંભીર આક્ષેપો કરતા જણાવેલ કે, તંત્ર અસરગ્રસ્તોને જુદા-જુદા બોલાવી ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગામની એકતા તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે અને આગેવાનોમાં મતભેદ ઉભા કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. આ તકે સમિતિ દ્વારા એવો પણ ખુલાસો કરવામાં આવ્યો કે તંત્રના કેટલાક અધિકારીઓ અસરગ્રસ્તોને બોલાવી કહી રહ્યા છે કે “અદાણી હિત રક્ષક સમિતિના આગેવાનોને ખરીદી લેશે”, જે વાતે ગામલોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ પ્રકારની ચર્ચાઓ દ્વારા જનમાનસમાં ભ્રમ ફેલાવી એકતા ભંગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ સમિતિએ કર્યો હતો. આ તીખા વલણ વચ્ચે સમિતિએ મીડિયા મારફતે તંત્રને ખુલ્લો સંદેશ આપ્યો કે જાે અદાણીને જમીન આપવાની હોય તો સરકાર–તંત્ર લોકો સમક્ષ સ્પષ્ટ અને સાચો ખુલાસો કરે, ભ્રામક વાતો ન ફેલાવે અને ગામમાં ગેરસમજ ઉભી ન કરે. સમિતિએ ફરી સ્પષ્ટ કર્યું કે અસરગ્રસ્તો કોઈપણ પરિસ્થિતિમાં કોરિડોર નહીં સ્વીકારશે. ગામમાં છેલ્લા થોડા દિવસોમાં તંત્રની વધતી હિલચાલને કારણે ફરી એકવાર આ મુદ્દે ચર્ચા એ જાેર પકડ્યું છે. તંત્રની કાર્યશૈલી અંગે અસંતોષ વ્યાપક બનતા ગ્રામજનોમાં ઉગ્ર પ્રતિસાદ જાેવા મળી રહ્યો છે. ગામની એકતા સાથે ચેડાં ન કરવાની સમિતિએ ફરી ચેતવણી પણ ઉચ્ચારી છે. સમગ્ર બેઠકમાં હિન્દૂ મુસ્લિમ જુદા જુદા સમાજ ના આગેવાનો તેમજ અસરગ્રસ્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એક જ અવાજમાં જણાવ્યું કે સોમનાથ–પ્રભાસની ઓળખ અને સામાજિક સેતુને નુકસાન પહોંચાડનારા કોઈપણ ર્નિણય સામે તેઓ ઢાલ બની ઊભા રહેશે.


