જૂનાગઢ શહેર બી ડીવીઝન પોલીસ દ્વારા ૯ સ્પા ધારકો વિરૂધ્ધ કાર્યવાહી

જૂનાગઢ શહેર બી ડીવીઝન પોલીસ દ્વારા ૯ સ્પા ધારકો વિરૂધ્ધ કાર્યવાહી

જૂનાગઢ તા.૯
જૂનાગઢ રેન્જના આઈજી જનિલેશ જાજડીયા, એસપી સુબોધ ઓડેદરાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસે સ્પાનું સઘન ચેકિંગ કરવા માટે એક સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કર્યું હતું.
પીઆઈ જે.જે.પટેલની સૂચનાના આધારે અધિકારીઓ અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સ્પા સેન્ટરોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન સ્પાના રજિસ્ટર, સીસીટીવી કેમેરા અને ત્યાં કામ કરતા બહારના રાજ્યના લોકોની વિગતોની તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ કુલ ૯ ગુના રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જુનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા ઝાંઝરડા ચોકડી નજીક આવેલ રોઝેટ ધ ફેમિલી સ્પાના સંચાલક પ્રતાપ ગોગન જાડેજા, નેચરલ સ્પાના સંચાલક દર્શક જીતેન્દ્રકુમાર જાેષી, રોઝેટ ધ ફેમીલી સ્પાના સંચાલક અમીત સીદપરા, ફીલગુડ સ્પાના સંચાલક શક્તિભાઈ ચોથાણી, કલાઉડ વેલનેસ ફેમીલી સ્પાના પરેશ સોંદરવા, ધ પ્રિમીયમ ફેમીલી સ્પાના દિલીપભાઈ કરમણભાઈ સાગઠીયા, ડોલફીન સ્પાના ભરતભાઈ વાળા, ન્યુ નેચરલ સ્પાના સંદીપભાઈ અરવીંદભાઈ નથવાણી અને ડી લાઈટ ફેમીલી સ્પાના નીલેશ વાઘેલા વિરૂધ્ધ બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે. 
જૂનાગઢ બી ડિવિઝન પોલીસે સ્પા ધારકો વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરીને સારી કામગીરી કરી છે. જો આ જ રીતે ઝાંઝરડા રોડ અને અન્ય વિસ્તારોના સ્પામાં અચાનક રેડ કરવામાં આવે તો ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ પણ ઝડપાઈ શકે છે. આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ. એસ.એ.સાંગાણી, પોલીસ સબ ઇન્સ. એમ.આર.ઝાલા, પોલીસ સબ ઇન્સ. કે.એમ.વાઢેર અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે યોગદાન આપ્યું હતું.