ભવનાથમાં લારી, ગલ્લા, ઝુંપડા સહીતનાં દબાણો દૂર કરાયા
જીલ્લા વહીવટી તંત્ર, મનપા અને પોલીસ તંત્ર દ્વારા સંયુકત રીતે કામગીરી હાથ ધરી અડચણરૂપ દબાણ દૂર કર્યા
જૂનાગઢ તા. ૯
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં ગઈકાલે જીલ્લા વહીવટી તંત્ર, મનપા અને પોલીસની સંયુકત ટીમ દ્વારા ટ્રાફીકને અડચણરૂપ દબાણો દુર કરવાની કાર્યવાહીનાં ભાગરૂપે એક ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં લારી, ગલ્લા, ઝુંપડા સહીતનાં દબાણો દુર કરવામાં આવ્યા હતાં.
ભવનાથ ક્ષેત્રમાં આગામી તા. ૧૧ થી ૧પ ફેબ્રુઆરી દરમ્યાન શિવરાત્રીનો મેળો યોજાનાર છે. આ મેળાને અનુલક્ષીને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ ટ્રાફીકને અડચણરૂપ દબાણને દુર કરવા માટે પણ તંત્ર સાબદુ બન્યું છે. દરમ્યાન જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયા તથા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલ તેમજ અધિકારીઓની ટીમ તાજેતરમાં જ ભવનાથ વિસ્તારની અચાનક મુલાકાત લીધી હતી અને પાર્કીંગ સહીતનાં પ્રશ્નોનું નિરીક્ષણ કર્યુ હતું. આ દરમ્યાન કેટલીક જગ્યાએ વધારે ટ્રાફીકની અવર જવર છે ત્યાં લારી, ગલ્લા, ઝુંપડા તેમજ રસ્તા પર મંડપો ઉભા કરી દેવામાં આવ્યાનું સામે આવ્યું હતું. જેને લઈને ચારેક દિવસ પહેલા દબાણ કરનારાઓને સુચના આપી દેવામાં આવી હતી કે રસ્તા પરના આ દબાણો છે તે દુર કરો. અને ત્યારબાદ ગઈકાલે જીલ્લા વહીવટી તંત્ર, મનપા તંત્ર અને પોલીસને સાથે રાખી એક ડ્રાઈવ યોજાઈ હતી. મામલતદાર ધવલભાઈ સોલંકી તેમજ મનપાનાં દબાણ શાખાના હરેશભાઈ કે. સોંદરવા તેમજ ટીમ અને જેસીબી સહીતના કાફલા સાથે ભવનાથ વિસ્તારમાં આવેલા દત્ત ચોકની આજુબાજુ રહેલા લારી, ગલ્લા, મંડપો વગેરેને દુર કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત રોપ-વે સાઈટ પર રહેતા રેકડીઓ લારીઓને પણ ત્યાંથી દુર કરવામાં આવી હતી. તેમજ તાજેતરમાં જ શિવરાત્રી મેળાને અનુલક્ષીને મહેસુલ કંટ્રોલ રૂમ માટે જે જમીન ફાળવવામાં આવી છે તે જમીન ૬૭૭ ચો.મી.ની જમીન ભવનાથ પોલીસ ચોકીની બાજુમાં આવેલી છે અને ત્યાં પણ ઝુંપડાઓના દબાણો રહેલા હતાં. ટ્રાફીકને અડચણરૂપ તમામ દબાણો તેમજ ચોરી ચપાટીના બનાવો પણ વધતા હોય જે તમામ બાબતોને ધ્યાને લઈ આ ડ્રાઈવ યોજી રોડ પરના દબાણો દુર કરવામાં આવ્યા હતાં. આગામી દિવસોમાં પણ ભવનાથ વિસ્તારમાં સાફસુફી અને ગેરકાયદેસર દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનાં પણ નિર્દેશો મળી રહયા છે.


