યુવાઓના સ્વાસ્થ્યના હિતમાં રાજ્યમાં રોલિંગ પેપર, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ, વિતરણ અને હેરાફેરી પર પ્રતિબંધ જાહેર કરતું ગૃહ વિભાગ

હવે રાજ્યના તમામ પાન પાર્લર, ચાની દુકાનો અને છૂટક કરિયાણાની દુકાનોમાં આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવાનું રહેશે

યુવાઓના સ્વાસ્થ્યના હિતમાં રાજ્યમાં રોલિંગ પેપર, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ, વિતરણ અને હેરાફેરી પર પ્રતિબંધ જાહેર કરતું ગૃહ વિભાગ
The Indian Express

ગાંધીનગર તા. ૧૭
રાજ્યના ગૃહ વિભાગે કેટલાક યુવાઓ દ્વારા કરવામાં આવતા નશાને રોકવા માટે એક મહત્વપૂર્ણ અને તાત્કાલિક ર્નિણય લીધો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ ૧૬૩(૨) અને ૧૬૩(૩) હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ, વેચાણ, વિતરણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે.
યુવાઓ દ્વારા અલગ અલગ પ્રકારના નશાયુક્ત માદક પદાર્થોના સેવન માટે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ગંભીર બાબત ધ્યાને આવતા આ બાબતે બારીક અભ્યાસ કરીને ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં સ્પષ્ટ જણાવાયું છે કે, આ રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય, કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થો હોય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.
ગૃહ વિભાગના જાહેરનામા મુજબ હવે રાજ્યના તમામ પાન પાર્લર, ચાની દુકાનો અને છૂટક કરિયાણાની દુકાનોમાં આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવાનું રહેશે. આ આદેશનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (BNS)ની કલમ ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.