બેલ્જીયમની સુપ્રિમ કોર્ટે ભાગેડુ મેહુલ ચોકસીની અપીલ ફગાવી : ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો

બેલ્જીયમની સુપ્રિમ કોર્ટે ભાગેડુ મેહુલ ચોકસીની અપીલ ફગાવી : ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો

(એજન્સી)   નવી દિલ્હી તા.૧૦: 
બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે ભારતના ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની અપીલ ફગાવી દીધી છે. બેલ્જિયમની સુપ્રીમકોર્ટના પંજાબ નેશનલ બેન્કમાં ૧૩ હજાર કરોડ રૂપિયાના કૌભાંડના મુખ્ય આરોપી મેહુલને ભારત સોંપવાનો રસ્તો સાફ થઈ ગયો છે, હાલ, ચોકસી બેલ્જિયમમાં કેદ છે.
સુપ્રીમકોર્ટે અપીલ અદાલતના ફેસલાને સાચો ઠેરવ્યો છે. મેહુલ ચોકસીએ ભારતમાં નિષ્પક્ષ સુનાવણી નહીં થવા અને અમાનવીય વર્તાવનો ખતરો બતાવ્યો હતો પણ બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે ચોકસીની અપીલ ફગાવી દીધી હતી.
પંજાબ નેશનલ બેન્ક (ઁદ્ગમ્) માં રૂા.૧૩,૦૦૦ કરોડના કથિત કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત ‘કોર્ટ ઑફ કેસેશન‘ દ્વારા મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. કોર્ટે ભારત પ્રત્યાર્પણને પડકારતી ચોક્સી દ્વારા દાખલ કરવામાં આવેલી અંતિમ અપીલને પણ ફગાવી દીધી છે. આ ર્નિણય ભારત સરકારની તરફેણમાં આવ્યો છે અને હવે ચોક્સીના પ્રત્યાર્પણની ઔપચારિક પ્રક્રિયા બેલ્જિયમમાં ઝડપથી આગળ વધી શકે છે. આ બાબત સાથે જોડાયેલા અધિકારીઓએ મંગળવારે આ વાતની પુષ્ટિ કરી હતી.
બ્રસેલ્સમાં થયેલી સુનાવણી દરમિયાન, સર્વોચ્ચ અદાલતે એન્ટવર્પ કોર્ટ ઑફ અપીલના ૧૭ ઑક્ટોબરના ર્નિણયને માન્ય રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે ભારત મોકલવા પર તેને યાતના અથવા ન્યાયથી વંચિત રાખવાનું જોખમ છે, તેવા ચોક્સીના દાવાઓ પાયાવિહોણા છે. બ્રસેલ્સના મહાધિવક્તા હેનરી વેન્ડરલિન્ડેને ઈમેલ દ્વારા પુષ્ટિ કરી કે સર્વોચ્ચ અદાલતે ચોક્સીની અપીલ ફગાવી દીધી છે, તેથી નીચલી અદાલતનો ચુકાદો જ અસરકારક રહેશે.