ટ્રમ્પે વધુ એક ટેરિફ બોમ્બ ફોડયો : દવાઓની આયાત પર ૧૦૦ ટકા ટેરિફ ઝીંકી

ટ્રમ્પે વધુ એક ટેરિફ બોમ્બ ફોડયો : દવાઓની આયાત પર ૧૦૦ ટકા ટેરિફ ઝીંકી

(એજન્સી)   નવી દિલ્હી, તા.૨૬: 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર નવો ટેરિફ બોમ્બ ફેંકયો છે, જેમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓને નિશાન બનાવવામાં આવી છે. તેમણે અમેરિકાની બહાર ઉત્પાદિત તમામ ફાર્માસ્યુટિકલ આયાત પર ૧૦૦% ટેરિફ લાદવાનો ર્નિણય લીધો છે. આ ર્નિણય ભારતને અસર કરશે, ખાસ કરીને તે કંપનીઓ પર જે અમેરિકામાં દવાઓ નિકાસ કરે છે. ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓની અમેરિકામાં નિકાસ લગભગ ૩૧% છે. આ ૧૦૦% ટેરિફ અમેરિકાને દવાઓ વેચતી બધી કંપનીઓને અસર કરશે. સન ફાર્મા, ડૉ. રેડ્ડીઝ, સિપ્લા, લ્યુપિન અને ઓરોબિંદો ફાર્મા જેવી કંપનીઓ, જે અમેરિકાને બ્રાન્ડેડ દવાઓ વેચે છે, તેમને ગંભીર અસર થશે.
ભારતીય ફાર્માસ્યુટિકલ ઉત્પાદકો માટે, ખાસ કરીને સસ્તી જેનેરિક દવાઓના ક્ષેત્રમાં, અમેરિકા એક મુખ્ય બજાર છે. ભારતે ૨૦૨૪ માં રૂ.૩૧,૬૨૪ કરોડ (૩.૬ બિલિયન ડોલર) ના ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની નિકાસ અમેરિકામાં કરી હતી. ૨૦૨૫ના પહેલા ભાગમાં, તેણે રૂ.૩૨,૫૦૫ કરોડ 
(૩.૬ બિલિયન ડોલર) ની નિકાસ કરી હતી. ડૉ. રેડ્ડીઝ, સન ફાર્મા, લ્યુપિન અને ઓરોબિંદો જેવી મુખ્ય ફાર્માસ્યુટિકલ કંપનીઓ યુએસમાં સસ્તી ભારતીય જેનેરિક દવાઓના બજારનો મુખ્ય લાભાર્થી છે. ટેરિફ ભારતીય કંપનીઓની નિકાસને નોંધપાત્ર ફટકો આપી શકે છે.