જૂનાગઢ કૃષિ યુનિ.ના તત્કાલિન કુલપતિ ડો.પાઠકે રાતોરાત કૃષિ યુનિ. એકટમાં ફેરફાર કરી વર્તમાન કુલપતિ ડો. ચોવટીયાના પુત્ર જય ચોવટીયાને મદદનીશ પ્રાધ્યાપકની નોકરી આપી દીધી.
જય ચોવટીયા માટે કૃષિ યુનિ.એ નિયમો અવગણીને સોશ્યલ સાયન્સ ફેકલ્ટીની જગ્યા ઉભી કરી અને મદદનીશ પ્રધ્યાપકની નોકરી આપી
જૂનાગઢ તા.26
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ચોવટીયાના એક હથ્થુ શાસન, ગેરવહીવટ, ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપો સહિતની ફરિયાદો સતત સરકાર સુધી કરવામાં આવી હોવા છતાં પણ કોઈ અસરકારક પગલા લેવામાં આવતા ન હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ ઉપરાંત પરિવારના જ સભ્યોને પછી તે પુત્ર હોય કે પુત્રવધુ તેને લાભ આપવા માટેના કરતુતો પણ થયા છે અને આવા કરતુતોને ખુલ્લા પણ પાડવામાં આવ્યા હોવા છતાં પણ કુલપતિ ચોવટીયા સામે હજુ સુધી કાર્યવાહી કયા કારણસર થતી નથી ? તે પણ મોટો સવાલ છે આ દરમ્યાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા મનહર પટેલે કૃષિ યુનિવર્સિટીના વર્તમાન કુલપતી ચોવટીયા તેમજ તત્કાલીન કુલપતી પાઠક દ્વારા મીલીભગત કરી અને કૃષિ યુનિવર્સિટીના નિયમોમાં પણ ફેરફાર કરી અને કુલપતી ચોવટીયાના પુત્રને મદદનીશ પ્રાધ્યાપકની નોકરી આપવાના કૌભાંડનો લેટરબોમ્બ ફોડતા કૃષિ યુનિવર્સિટી વર્તુળમાં ભારે ચકચાર જાગી ઉઠી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મનહર પટેલ દ્વારા અખબારી યાદી દ્વારા જે લેટરબોમ્બ જારી થયો છે તેમાં તેઓએ જણાવેલ છે કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ચોવટીયાના પુત્ર જય ચોવાઠીયાએ અમાન્ય MSC (ICT- In Agriculture and rural development) ની ડિગ્રી મેળવી છે તે યુનિ.ને રાજ્ય સરકારે તા. 06-09-2026 ના પરિપત્ર મુજબ બંધ કરવાનો ર્નિણય કરેલ હતો, જય ચોવટીયાએ તેની ડિગ્રી કાયદાથી અમાન્ય અને બોગસ હોવા છતાં જૂનાગઢ કૃષિ યુનિ.માં ચાલતા Ph.D (વિસ્તરણ)ના અભ્યાસક્રમ માટે ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવે છે. ઉપરાંત સત્તાની વગ કરીને Ph.D ના અભ્યાસક્રમમાં ગેરકાયદેસર રીતે હાજરી પુર્ણ બતાવે છે, આમ પુત્ર જય ચોવટીયાને જૂનાગઢ કૃષિ યુનિ.માં નોકરી અપાવવા તત્કાલીન કુલપતિએ આર. પાઠક અને પિતા કુલપતિ ચોવટીયા દ્વારા મીલીભગત કરીને આયોજનબદ્ધ રીતે ષડયંત્ર ગોઠવે છે, આ આક્ષેપો ઉપર રાજ્ય સરકાર ઘટતી કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. વધુમાં જય ચોવટીયાને અનઅધિકૃત રીતે નોકરી આપવા જૂનાગઢ કૃષિ યુનિ. બોર્ડ મિટીંગમાં તા.07-01-2017 ના રોજ યુનિ. એકટમાં રાતોરાત ફેરફાર કરે છે, તા.11-01-2017 ના રોજ નોટીફીકેશન બહાર પાડે છે અને તા. 31-1-2017ના રોજ ખાપટ કૃષિ યુનિ.માં સોશ્યલ સાયન્સના વિષયો ભણાવવા મદદનીશ પ્રધ્યાપકની જગ્યા ઉભી કરે છે, આ જગ્યા માટે ડાયરેકટ સીલેકટ થયેલા ઉમેદવારોની યાદીમાં જય ચોવટીયાનું નામ નથી તેમજ અપેક્ષિત વિષયમા તે અનુસ્નાતક નથી આમ છતાં જય ચોવટીયાનું નામ તેમાં ઉમેરીને મદદનીશ પ્રાધ્યાપક તરીકે નિમણુંક આપી દીધી. આજે જૂનાગઢ કૃષિ યુનિ.ના કુલપતિ ડો. વી.પી.ચોવટીયા છે અને તેના પુત્ર જય ચોવટીયા જૂનાગઢ કૃષિ યુનિ.ના કૃષિ વિસ્તરણ વિભાગના વડા તરીકે ફરજ બજાવે છે. આમ જય ચોવટીયાની ગેરકાયદેસરની નિમણુંકને દબાવી દીધેલ છે જે અંગે પણ સરકારમાં અનેક રજુઆતો થઈ ચુકી છે. અમારી માંગ છે કે તત્કાલીન કુલપતિ
ડો. એ.આર. પાઠક અને વર્તમાન કુલપતિ ડો. વી.પી. ચોવટીયાએ પોતાના પુત્ર જય ચોવટીયાને અંગત લાભ આપવા માટે સત્તાનો દુરૂપયોગ કર્યો છે, તે બન્ને સામે પ્રિવેન્શન ઓફ એન્ટી કરપ્શન એકટ હેઠળ તાત્કાલીક અસરથી ગુનો દાખલ કરવામા આવે અને જય ચોવટીયાને નોકરીમાંથી દુર કરવામાં આવે તેવી મનહર પટેલ દ્વારા માંગણી વ્યક્ત કરવામાં આવી છે.


