જૂનાગઢ શહેરની રેલ્વે ફાટકની દાયકાઓ જૂની સમસ્યા હલ કરવા શકિતસિંહ ગોહીલની સંસદમાં અસરકારક રજુઆત
જૂનાગઢ તા. ૧૩
જૂનાગઢ શહેરની વર્ષો જુની રેલ્વે ફાટકની સમસ્યા અંગે સંસદમાં સવાલ ઉઠાવી અને કોંગ્રેસનાં વરીષ્ઠ નેતા રાજય સભાનાં સાંસદ શકિતસિંહ ગોહીલે આ વર્ષો જુની સમસ્યાનો ઉકેલ અને હલ લાવવાની અસરકારક રજુઆત કરવામાં આવી હતી.
જૂનાગઢ શહેરમાં ૭ સહેલીસમા રેલ્વે ફાટકને કારણે સમગ્ર શહેરને જાણે આ ફાટકો બાનમાં લેતા હોય તેવો માહોલ રહે છે. ગમે તે વિસ્તારમાંથી પસાર થાવ એટલે કયાંકને કયાંક રેલ્વે ફાટક આવે છે. વેરાવળ જતી રેલ્વે ટ્રેન કે ઉના-દેલવાડા જતી ટ્રેનને કારણે રેલ્વે સ્ટેશનથી શરૂ થતી ટ્રેનને જાેષીપરા ફાટક વૈભવ ફાટક, બસ સ્ટેન્ડ, તળાવ દરવાજા, ભુતનાથ ફાટક, ગાંધીગ્રામ ફાટક, ચોબારી ફાટક વગેરે ફાટકો પસાર કરવાનાં થાય છે. શહેરીજનો ઉપરોકત ફાટકનાં સલંગ્ન માર્ગ ઉપરથી પસાર થાય ત્યારે ટ્રેન આવવાના સમયે કે ટ્રેન પસાર થવાના સમયે જાે ફાટક બંધ થયું હોય તો ૧પ-ર૦ મીનીટમાં ચકકાજામ જેવી સ્થિતિ સર્જાય છે. અને ફાટક ખુલ્યા બાદ પણ ટ્રાફીક કલીયર થતાં ર૦ મીનીટ જેવો સમય લાગે છે. આમ દિવસમાં અનેકવાર રેલ્વે ફાટક બંધ થવા અને ખુલવામાં જૂનાગઢની મોટાભાગની જનતા આ ફાટકોની સમસ્યાથી અવર જવર કરતી વખતે પીડીત છે. ફાટકલેસ કરવાની સતત માંગણી તેમજ સરકારમાં પણ અનેકવાર રજુઆતો કરવામાં આવી હતી. અને એક તકે તો તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જૂનાગઢને ફાટક મુકત કરવાની જાહેરાત સાથે જ સમગ્ર રાજયમાં ફાટકલેસની જાહેરાત થઈ હતી. પરંતુ જૂનાગઢ માટે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. એટલું જ નહી જૂનાગઢનાં ધારાસભ્ય સંજય કોરડીયાએ પણ જૂનાગઢની જનતાને વિશ્વાસ અપાવ્યો હતો કે જૂનાગઢમાંથી રેલ્વે ફાટકો દુર થશે જ. અને જે અંગેનાં પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતાં. આજ દિવસ સુધી ફાટક દુર કરવાની કોઈ કાર્યવાહી થઈ નથી. જૂનાગઢ શહેરની જનતાની વર્ષો જુની આ માંગણીનો પડઘો સંસદમાં રાજયસભાનાં સાંસદ શકિતસિંહ ગોહીલે ઉઠાવ્યો હતો. અને તાત્કાલીક અસરથી જૂનાગઢ શહેરની રેલ્વે ફાટકની સમસ્યા દુર કરી અને આ શહેરની જનતાને ફાટકનાં ત્રાસમાંથી મુકિત અપાવવાની બુલંદ માંગણી વ્યકત કરવામાં આવી છે.


