હાઈબ્રીડ ગાંજાના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ : ૧ર આરોપીઓ ઝડપાયા : રૂા. ૧.૪૯ કરોડનો મુદામાલ જપ્ત
જૂનાગઢ તા. ૧૧
તાજેતરમાં એસઓજી પોલીસ જૂનાગઢ દ્વારા રૂા. ૧.૧૦ કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે ૪ શખ્સને ઝડપી લીધા બાદ આ પ્રકરણમાં આંતરરાષ્ટ્રીય રેકેટની સંડોવણી ખુલતા આ બનાવની વધુ તપાસ ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવી હતી. જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હાઈબ્રીડ ગાંજાના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરી મુખ્ય આરોપી સહિત કુલ ૧ર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.ગુજરાતમાં નાર્કોટિક્સના વધતા દૂષણને ડામી દેવા માટે જુનાગઢ પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, જુનાગઢ રેન્જ આઇજીનિલેશ જાજડીયા અને જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચનાને પગલે કાર્યવાહી કરતા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.ક્રાઇમ બ્રાન્ચે પ્રતિબંધિત હાઈબ્રીડ ગાંજાના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરીને મુખ્ય આરોપી સહિત કુલ ૧૨ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને કુલ રૂા. ૧.૪૯ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર કૃણાલ એમ. પટેલના માર્ગદર્શન હેઠળ ચોકકસ બાતમીનાં આધારે પોલીસે હાઈબ્રીડ ગાંજાના ૩ પેકેટ, કુલ ૩.૧૬૦ કિલોગ્રામ, કિંમત રૂા. ૧,૧૦,૬૦,૦૦૦ સાથે ૪ આરોપીઓને પકડી પાડ્યા હતા. આ આરોપીઓમાં (૧) ધવલ કાળુભાઈ ભરાડ (વિસાવદર), (૨) હુસેન નાસીરભાઈ તુર્ક (જૂનાગઢ), (૩) મુજાહીદખાન રીયાજખાન યુસુફજઈ (જૂનાગઢ) અને (૪) જઠાંગીરશા રજાકશા શાહમદાર (જૂનાગઢ)નો સમાવેશ થાય છે. આ મામલે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ગુનામાં આંતરરાષ્ટ્રીય રેકેટની સંડોવણી સામે આવતા જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ આ ગંભીર ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢને સોંપી હતી.
પીઆઈ કે.એમ.પટેલ, પીએસઆઇ ડી.કે ઝાલાની ટીમે પકડાયેલા આરોપી મુજાહીદખાન યુસુફજઈની સઘન પૂછપરછ હાથ ધરી. પૂછપરછમાં અન્ય આરોપીઓના નામ ખુલ્યા અને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ઝડપથી તપાસના ચક્રો ગતિમાન કર્યા.પોલીસ તપાસમાં સામે આવ્યું કે વડોદરાનો મુખ્ય આરોપી ઇરફાનખાન ઉર્ફે સોહિલ ઉર્ફે ઇરફાનડબલ આરીફખાન પઠાણ આ રેકેટમાં સંડોવાયેલો હતો. ઇરફાન દ્વારા રાજકોટની શેરબાનુ નાગાણીને હાઈબ્રીડ ગાંજાે લેવા માટે બેંગકોક મોકલવામાં આવી હતી. શેરબાનુ ગાંજાે લઈને આવી, પરંતુ તેણે આ ગાંજાે ઇરફાનને ન આપતા બારોબાર વેચી દેવાનો પ્લાન ઘડ્યો. આ પ્લાન માટે તેણે તેના મિત્ર મુજાહિદીનનો સંપર્ક કર્યો અને વોટ્સએપ કોલ દ્વારા જૂનાગઢના મોઈન ખંધાને અમદાવાદ એરપોર્ટ પર બોલાવ્યો. એરપોર્ટ પરથી શેરબાનુ, મુજાહિદીન અને ધવલ ભરાડ ગાંજાે લઈને જૂનાગઢ આવ્યા હતા.જુનાગઢ આવ્યા બાદ શેરબાનુએ લાવેલા કુલ ૪ પેકેટમાંથી ૩ પેકેટ મુજાહિદીનને આપ્યા અને ૧ પેકેટ પોતાની પાસે રાખ્યું હોવાનું મુજાહિદીને જણાવ્યું હતું.
શેરબાનુએ તેની પાસે રહેલું ૧ પેકેટ વેચવા માટે વેરાવળના તેના મિત્ર સોહિલ શેખનો સંપર્ક કર્યો. સોહિલે આ વાત સુરત ખાતે રહેતી તેની બહેન ઉજમાને કરી. ઉજમાએ તેના મિત્ર વડોદરાના મુખ્ય આરોપી ઇરફાનખાનને જાણ કરી, જેણે ગાંજાે ખરીદવાની હા પાડી.સોહિલ શેખ અને શેરબાનુ સુરત ખાતે ઉજમાના ઘરે ગયા. દરમિયાન, મુખ્ય આરોપી ઇરફાનખાન વડોદરાથી તેના મિત્ર અફઝલ જાનુવાલા, તેની પત્ની હાફીઝા પટેલ તથા જાવીદ મીરજા અને તેની પત્ની નીલોફર સાથે સુરત પહોંચ્યો અને હાઈબ્રીડ ગાંજાનું ૧ પેકેટ લઈ લીધું.
ઇરફાન પાસે ગાંજાનું પેકેટ હોવાની હકીકત મળતા, વડોદરા-સુરત રવાના કરાયેલી પોલીસ સબ ઇન્સપેક્ટર પી. કે. ગઢવીની ટીમે તાત્કાલિક ઇરફાનને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા. ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરતાં જણાયું કે ઇરફાન નડિયાદ ખાતે તેના સસરાના ઘરે ગયો છે.પોલીસે તાત્કાલિક નડિયાદ ખાતે પહોંચીને ગેઝેટેડ અધિકારીની હાજરીમાં પંચો રૂબરૂ તપાસ કરતાં આરોપી ઇરફાનખાન પાસેથી ૦.૯૩૬ કિલોગ્રામ હાઈબ્રીડ ગાંજાે કિંમત રૂા. ૩૨,૭૬,૦૦૦/ કબ્જે કર્યો અને તેની ધરપકડ કરી. ઇરફાનની પૂછપરછમાં ખુલાસો થયો કે આ આંતરરાષ્ટ્રીય રેકેટ બેંગકોકના હબીબી દ્વારા ચલાવવામાં આવતું હતું અને ભારત ખાતે તેના એજન્ટ બેંગ્લોરના અનુપ ઉર્ફે રવુ મારફતે ઇરફાન તથા અન્ય આરોપીઓ કેરીયર તરીકે કામ કરતા હતા.
આ ગુનામાં અગાઉ પકડાયેલા ૪ આરોપીઓમાં ધવલ કાળુભાઈ ભરાડ, હુસેન નાસીરભાઈ તુર્ક,
મુજાહીદખાન રીયાજખાન યુસુફજઈ,જઠાંગીરશા રજાકશા શાહમદારને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા હતા.આ આરોપીઓની પુછ પરછ દરમ્યાન મોઈન સતા૨ભાઈ ખંધા,સાહીલ દાદાભાઈ શેખ,શેરબાનુ મહમદરફીક નાગાણી (બેંગકોકથી ગાંજાે લાવનાર), ઈરફાનખાન ઉર્ફે સોહિલ ઉર્ફે ઇરફાનડબલ પઠાણ,જાવીદ અલીમહમદ
મીરજા તુર્ક પઠાણ, અફઝલ અબ્દુલગફાર મેમણ,
હાફીઝા યુસફભાઈ વોરા પટેલ,,નીલોફર અયુબભાઈ વોરા પટેલ મળી ૮ સાગરીતોની ધરપકડ કરી છે. શેરબાનુ સહિત વડોદરા, રાજકોટ, વેરાવળ, સુરત અને નવસારી સુધી ફેલાયેલા આ નેટવર્કના અત્યાર સુધીમાં કુલ ૧૨ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડવામાં આવ્યા છે. હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ૦.૯૩૬ કિલો ગ્રામ કિંમત કિંમત રૂા.૩૨,૭૬,૦૦૦,વજન કાંટો, કોથળીઓ, ફોન, એક્સેસ, રોકડ કિંમત રૂા.૩૧,૫૦૦,અગાઉ પકડાયેલ ગાંજાે ૩.૧૬૦ કિલોગ્રામ જેની કિંમત રૂા.૧,૧૦,૬૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂા. ૧,૪૯,૭૮,૫૦૦ પકડી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અને બેંકોકથી ગાંજાે સપ્લાય કરનાર બેંકોકના હબીબી અને બેંગલોરના અનુપ ઉર્ફે રવુંને પકડવા અલગ અલગ ટીમો બનાવી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.


