જૂનાગઢમાં અકસ્માતનું નાટક કરી વિદ્યાર્થીને ફસાવી બળજબરીથી પૈસા પડાવવાનો પ્રયાસ કરનાર બેની ધરપકડ
યુવાનની માતાની ફરીયાદનાં આધારે પોલીસે આરોપી અને તેના સાગરીતની ધરપકડ કરી
જૂનાગઢ તા. 17
જૂનાગઢ શહેરમાં યુવાનોને નિશાન બનાવીને બળજબરીથી પૈસા કઢાવવાનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો હતો, જેમાં જુનાગઢ બી-ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી અને તેના સાગરિતને ઝડપી લીધો છે. સુભાષ કોલેજમાં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીને એક્સિડન્ટના બહાને ફસાવીને તેની માતા પાસેથી ગૂગલ પે દ્વારા રૂા.15,000 પડાવી લેવાનો પ્રયાસ કરાયો હતો. આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીની માતા રીટાબેન લવકુમાર હરવાણીએ બે આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે મુખ્ય આરોપી સુનીલ ઈગળે અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરની ધરપકડ કરી છે.
ગત તા. 15/10/2025 ના રોજ બપોરે સુભાષ કોલેજનો વિદ્યાર્થી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. ઝાંઝરડા ચોકડી બાયપાસથી ચોબરી ફાટક તરફ આવતા ખેતલાઆપા નામની દુકાન નજીક પાછળથી આવેલા બે યુવકોએ તેમની મોટરસાયકલ જાણી જાેઈને વિદ્યાર્થીની ઈ-બાઈક સાથે અથડાવી દીધી હતી. એક્સિડન્ટ પછી એક યુવકે તેને પગમાં ઈજા થઈ હોવાનું નાટક કર્યું અને વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલ લઈ જવાની વાત કરી. વિદ્યાર્થીએ હા પાડતા આરોપીઓએ તરત જ બાઈક બદલાવી.
મુખ્ય આરોપીની ઈ-બાઈક પર ઈજાગ્રસ્તનો ડ્રામા કરનાર યુવક સવાર થયો, જ્યારે ઈજાગ્રસ્ત હોવાનું નાટક કરનાર યુવક વિદ્યાર્થીની ઈ-બાઈક ચલાવીને વિદ્યાર્થીને સાથે લઈને સિવિલ હોસ્પિટલના બદલે કોઈ અવાવરૂ જગ્યાએ લઈ ગયો.અહીં પહોંચીને બંને યુવકોએ વિદ્યાર્થીને ગાળો બોલી ધમકાવવાનું શરૂ કર્યું. તેઓએ વિદ્યાર્થીનું મોટરસાયકલ અને મોબાઈલ ગીરવે રાખીને સારવારના બહાને તાત્કાલિક રૂા.15,000 આપવાની માંગણી કરી.
વિદ્યાર્થીએ પૈસા આપવાની ના પાડીને ઘરે વાત કરવાની વાત કરતા આરોપીઓએ તેને "તારા પર પોલીસ કેસ કરીને ફસાવી દઈશું" અને વધુમાં "મને પગમાં વાગ્યું છે, તો હું તારા પગ ભાંગી નાખીશ" એવી ધમકીઓ આપી. બીજી તરફ, દીકરો ઘરે ન આવતા તેની માતા રીટાબેને તેને ફોન કર્યો, જે તરત જ એક આરોપીએ ઉપાડી લીધો. ફોન પર તે આરોપીએ રીટાબેનને ‘માસી‘ કહીને સંબોધ્યા અને ધમકાવતા કહ્યું કે, "તમારા છોકરાએ એક્સિડન્ટ કર્યો છે, મને રૂા.15,000 ગૂગલ પે કરી દો નહીં તો પોલીસ કેસ કરીને ફસાવી દઈશ."જાેકે, રીટાબેને કાયદેસરની કાર્યવાહીની વાત કરતા આરોપી ગભરાઈ ગયો અને કહ્યું કે "તમે સારા માણસ લાગો છો, જેથી હું તમારા દીકરાને જવા દઉં છું" અને ફોન કાપી નાખ્યો. આ બનાવ બાદ વિદ્યાર્થી સહીસલામત ઘરે આવી ગયો હતો.ર પોલીસે આ સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી, જેના પરિણામે વિદ્યાર્થીને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખી, ધમકી આપીને બળજબરીથી પૈસા પડાવવાનો પ્રયાસ કરનાર મુખ્ય આરોપી સુનીલ ઈગળે અને કાયદાના સંઘર્ષમાં આવેલા તેના કિશોર સાગરિતની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવ અંગે જુનાગઢ બી-ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


