દીપાવલીનાં તહેવારોની શ્રૃંખલાનો આજથી શુભારંભ

જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં તહેવારો ઉજવવા લોકોમાં ભારે ઉત્સાહ

દીપાવલીનાં તહેવારોની શ્રૃંખલાનો આજથી શુભારંભ

જૂનાગઢ તા. ૧૭
દીપાવલી અને નૂતન વર્ષનાં તહેવારોને ઉજવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહયો છે અને દરેક શહેરો અને ગામોમાં રોશનીનો ઝગમગાટ જાેવા મળી રહયો છે. આજે આસોવદ-૧૧ થી જ તહેવારોની શ્રૃંખલા શરૂ થઈ ગઈ હોય, બજારોમાં પણ ધુમ ખરીદી જાેવા મળી રહી છે. 
દિવાળી જેને દીપાવલી અથવા પ્રકાશનાં પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે હિન્દુ ધર્મનો સૌથી મોટો અને મહત્વનો તહેવાર છે. આ પર્વ એક દિવસનો નહીં  પરંતુ તહેવારની શ્રૃંખલા શરૂ થાય છે. અને સતત પાંચ દિવસનાં સમુહની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જેમાં દરેક દિવસનું આગવું મહત્વ રહેલું છે. 
દિપાવલીનાં તહેવારની ઉજવણીની શરૂઆત આજ આસો વદ અગીયારસથી શરૂ થાય છે. અગીયારસ (રમા એકાદશી), બારસ, ધનતેરસ, કાળી ચૌદશ, દીપાવલી, નૂતન વર્ષ, ભાઈબીજ સહીતનાં પંચ પર્વની ઉજવણી કરવામાં આવે છે. અગીયારસનાં દિવસથી ઉજવણીનો પ્રારંભ થતો હોય લોકો પોતાના ઘરને અનેરી સજાવટ, લાઈટ ડેકોરેશન કરવામાં આવે છે. ઘરનાં આંગણામાં સરસ મજાની રંગોળી પુરવામાં આવે છે. ઉપરાંત ઘર અને વ્યવસાયીક પ્રતિષ્ઠાનોમાં આસોપાલવના તોરણ લગાડી, માતા લક્ષ્મીજી તેમજ દેવોનું પૂજન કરવામાં આવે છે અને આ સાથે જ દરેક ઘરોમાં દીવડા પ્રગટાવવામાં આવે છે. ખાસ કરીને આસો વદ તેરસ એટલે કે ધનતેરસથી લઈ ભાઈ બીજ સુધીની ઉજવણી થાય છે. ધનતેરસનાં દિવસે ધનની દેવી માતા લક્ષ્મી અને ધનનાં અધિપતિ કુબેર દેવની વિશેષ પૂજાનું મહત્વ રહેલું છે. લોકો પોતાનાં ઘરમાં ધન-ધાન્ય અને સમૃધ્ધીની વૃધ્ધી માટે આરાધના કરે છે. સાંજના સમયે  દીવડા પ્રગટાવવામાં આવે છે. જયારે આસો વદ પક્ષની ચૌદશ (ચર્તુદશી)ને કાળી ચૌદશ કહેવામાં આવે છે. આ દિવસને નાની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસને રૂપ ચૌદશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે મીઠા ભાત, વડાનો પ્રસાદ ધરાઈ નૈવેદ્ય પણ કરવામાં આવે છે. અને સાંજનાં સમયે હનુમાનજી મહારાજનો તેલ, સિંદુર, આંકડાની માળા, અડદ ચડાવવામાં આવે છે. તેમજ વડાનો પ્રસાદ પણ ધરવામાં આવે છે અને હનુમાનજી મહારાજ પાસે સર્વેનાં કલ્યાણની કામના કરવામાં આવે છે.

દિવાળી (લક્ષ્મી પૂજન) આસો માસની વદ અમાસનાં દિવસે દિવાળી અથવા દીપાવલીનું પર્વ ઉજવાય છે. આ દિવસે સાંજે શુભ મુર્હુતમાં માતા લક્ષ્મી, ગણેશ પૂજન, ચોપડા પૂજન કરવામાં આવે છે. વેપારીઓ માટે આ દિવસ ખાસ છે. જયાં તેઓ વર્ષનાં હિસાબ-કિતાબનાં ચોપડાનું  પૂજન કરીને  નવા વર્ષની શરૂઆત કરે છે. ધન, જ્ઞાન અને શુભતાની પ્રાપ્તિ માટે ગણેશજીની પૂજા સાથે લક્ષ્મીજીનું  સ્વાગત કરવામાં આવે છે.  ઘરે આસોપાલવના તોરણ બાંધવામાં આવે છે. દીવડા પ્રગટાવવામાં આવે છે અને દિવાળીનાં તહેવારને અનુલક્ષીને ફટાકડાની આતશબાજી કરી તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જયારે નૂતન વર્ષ (બેસતું વર્ષ)ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવે છે. આ દિવસને નૂતન વર્ષ અથવા બેસતું વર્ષ  પણ કહેવામાં આવે છે.  નૂતન વર્ષના પર્વ પ્રસંગે લોકો પરસ્પરને મળે છે. એકબીજાને  નવા વર્ષની શુભકામનાં પાઠવે છે અને મોં મીઠા કરાવે છે.  તમામ મતભેદો ભુલી એક બીજાને ગળે મળે છે અને સર્વેના કલ્યાણની કામના કરવામાં આવે છે. જયારે કારતક માસનાં સુદ પક્ષની બીજ (દ્વીતીયા)ને ભાઈબીજ કહેવામાં આવે છે. આ પર્વનું પણ  આગવું મહત્વ રહેલું છે.  આ દિવસે બહેન પોતાના ભાઈને પોતાના ઘરે આવકારે છે. ભાઈનાં કપાળ ઉપર તિલક કરે છે અને તેને લાંબુ આયુષ્ય, સુખ અને સમૃધ્ધી મળે તેવી પ્રાર્થના કરે છે. ભાઈ પણ બહેનને ભેટ આપીને તેની રક્ષાનું  વચન આપે છે. દીપાવલી અને નૂતન વર્ષનાં તહેવારોની શ્રૃંખલાનો આજથી પ્રારંભ થઈ ગયો છે. લોકોમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહયો છે. ત્યારે જૂનાગઢ  સહીત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં આ તહેવારોની શાનદાર ઉજવણી કરવા લોકો સજ્જ બન્યા છે અને સર્વત્ર તહેવારોની ઉજવણીનો માહોલ પ્રવર્તી રહયો છે.