ગીર સોમનાથના મૂળદ્વારકા બંદરમાં પોલીસના કોમ્બીંગમાં દરગાહમાંથી હથિયારો મળતા હડકંપ

દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ ગીર સોમનાથ પોલીસની દરીયા કિનારા પર ખાસ ચોકસી અંતર્ગત કોમ્બીંગ હાથ ધરાયેલ : હથિયારો ક્યાંથી આવ્યા અંગે પોલીસે મુંજાવરની પૂછપરછ હાથ ધરી

ગીર સોમનાથના મૂળદ્વારકા બંદરમાં પોલીસના કોમ્બીંગમાં દરગાહમાંથી હથિયારો મળતા હડકંપ

(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ તા.૧૭
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ સતર્ક બનેલ ગીર સોમનાથ પોલીસે મહત્વની કામગીરી કરી છે. જેમાં પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લાના મૂળદ્વારકા બંદર વિસ્તારમાં પોલીસની ટીમોએ મેગા કોમ્બીંગ ડ્રાઇવ ચલાવી કિનારા વિસ્તારમાં સઘન ચેકીંગ કર્યું હતુ. જેમાં દરગાહમાંથી હથિયારો મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી. આ મામલે દરગાહના મુંજાવરની પુછપરછ હાથ ધરવામાં આવી છે. દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટનાના પગલે મહત્વના સ્થાનો અને લાંબો દરિયાકિનારો ધરાવતા ગીર સોમનાથ જીલ્લામાં પોલીસ હાઈ એલર્ટ પર હોવાથી ચેકીંગ અને કોમ્બીંગ ડ્રાઇવને કામગીરી વધુ અસરકારક બનાવી છે. જેમાં એસ.પી. જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વેરાવળ ડિવિઝનના ડીવાયએસપી વી.આર.ખેંગાર અને ઉના ડિવિઝનના ચૌધરી સહિત ૬ પીઆઈ, ૭ પીએસઆઈ, એલસીબી, એસઓજી, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમો ઉપરાંત ૧૨૦ થી વધુ પોલીસકર્મીઓના ધાડાને મૂળદ્વારકા બંદરે ઉતાર્યા હતા. પોલીસની જુદી જુદી ટીમોએ મુલદ્વારકા બંદરના તમામ વિસ્તારોમાં સઘન ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં એસઓજીની ટીમને હઝરત કચ્છી પીર બાબાની દરગાહમાંથી કુહાડી, કાટો અને તલવાર સહિતના હથિયારો મળી આવ્યા હતા.

આ હથિયારો ક્યાંથી આવ્યા અને શા માટે અહીં રાખવામાં આવ્યા હતા ? તેવા સવાલોના જવાબ મેળવવા પોલીસે દરગાહના મુંજાવરની આગવીઢબે પૂછપરછ હાથ ધરી છે. દરગાહમાંથી હથિયારો મળી આવતા એક તબક્કે પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.  આ ડ્રાઈવ અંતર્ગત જીલ્લાના ૧૧૦ કિ.મી. જેટલા સંવેદનશીલ દરિયાકાંઠાના ગામોમાં વસવાટ કરતા કેટલાક લોકોની સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. પોલીસે પણ દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચકાસણી વધુ સક્રિય કરી છે. પોલીસ સૂત્રો અનુસાર, આવી કોમ્બીંગ ડ્રાઇવો આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.