સમાજના આગેવાનોને કિંજલ દવેએ અસામાજીક તત્વો ગણાવ્યા
(બ્યુરો) અમદાવાદ તા.૧પ
પોતાના પરિવારનો સામાજીક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાતા કિંજલ દવેએ મૌન તોડયું છે. આજે કિંજલ દવેએ પોતાના પરિવારના સામાજીક બહિષ્કાર અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, દિકરીની પ્રગતિ નહીં જાેઈ શકનારા આવુ કૃત્ય કરે છે. શું એક દિકરીને તેનો લાઈફ પાર્ટનર નક્કી કરવાનો હક્ક નથી ? કિંજલ દવેએ વધુમાં બહિષ્કારનો નિર્ણય લેનારા બ્રહ્મ સમાજના અગેવાનોને અસામાજીક તત્વો ગણાવ્યા હતા અને એવી માંગણી કરી હતી કે, ‘‘દિકરીની પાંખો કાપવાની વાતો કરનારાઓને સમાજમાંથી દુર કરાય. મારા પરિવાર વિરૂધ્ધ કંઈપણ લખનાર સામે કાયદેસરના પગલા લઈશ.’’ કિંજલ દવે બ્રહ્મ સમાજના આગેવાનોને અસામાજીક તત્વો ગણાવતા ભારે ખળભળાટ મચી ગયો છે. અને આગામી સમયમાં બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા વધુ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રતિક્રિયાઓ સમાજના આગેવાનો તરફથી આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે કિંજલ દવેએ આંતર જ્ઞાતિય સગાઈ કરતા પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજના આગેવાનોએ કિંજલ દવેના પરિવારનો સામાજીક બહિષ્કાર કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.


