ખામધ્રોળમાંથી વિદેશી દારૂ સાથે ૩ ઝડપાયા

પોલીસે ૬૯૬ બોટલ દારૂ સાથે સ્કોર્પીયો, મોપેડ સહીત કુલ રૂા. ૧ર.૭૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો

ખામધ્રોળમાંથી વિદેશી દારૂ સાથે ૩ ઝડપાયા

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. 18
રૂા. પાંચ લાખનો વિદેશી દારૂ જૂનાગઢથી ખામધ્રોળ મોકલેલ હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે વોચ ગોઠવી અને પકડી પાડી 3 શખ્સની અટકાયત કરી હતી. બોટલ દારૂ, મોપેડ સહીત રૂા. 12.76 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ કે.એમ. પટેલની ટીમના પીએસઆઈ ડી.કે. સરવૈયા, પી.કે. ગઢવી સહીતનો સ્ટાફ ગઈકાલે સવારે પેટ્રોલીંગમાં હત ત્યારે જૂનાગઢ નજીકના ખામધ્રોળ ગામમાં ગ્રામ પંચાયતની ઓફીસ પાસે રહેતો યશ મેરામણભાઈ કટારા વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોતાના રહેણાંક મકાન પાસે હેરાફેરી કરે છે એવી બાતમી મળતા પોલીસે રેડ પાડી હતી. આ કાર્યવાહીમાં ખામધ્રોળ ગ્રામ પંચાયત ઓફીસ પાસે આવેલ શેરીમાં રહેતા યશ મેરામણ, જૂનાગઢના ગાંધીગ્રામ સિંધી સોસાયટીમાં નાલંદા સ્કુલ વાળી ગલીમાં રહેતા મંગલમ અજય તાવડે, ખામધ્રોળનો જયદીપ હીરા ખાંભલાને GJ-37 B 5565 નંબરના સ્કોર્પીયોમાંથી દારૂની પેટીઓની હેરાફેરી કરતા પકડી પાડયા હતાં. પુછપરછમાં યશ કટારાએ જૂનાગઢનાં ગાંધીગ્રામ સિંધી સોસાયટીમાં રહેતા ભીમા ડાયા શામળા પાસેથી મંગાવતા મંગલમ દારૂ ભરેલ સ્કોર્પીયો આપવા આવ્યો હોવાનું તેમજ જયદીપ મોપેડ લઈને દારૂ લેવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારે ડ્રાઈવર મંગલમે દારૂ ભરેલ સ્કોર્પીયો જૂનાગઢનાં ગાંધીગ્રામની સિંધી સોસાયટીના જગા ડાયા શામળાના કહેવા મુજબ આવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે રૂા. 5,06,640ની કિંમતના વિદેશી દારૂ, બીયર ટીન 696 બોટલ, સ્કોર્પીયો, નંબર વગરની મોપેડ, ૩ મોબાઈલ સહીત કુલ રૂા. 12,76,640નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.