સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કાતિલ શિતલહેરનો દોર શરૂ  ગિરનારમાં ૭.ર, નલીયામાં ૮.૮ ડીગ્રી તાપમાન

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કાતિલ શિતલહેરનો દોર શરૂ  ગિરનારમાં ૭.ર, નલીયામાં ૮.૮ ડીગ્રી તાપમાન

(બ્યુરો)             રાજકોટ, તા.૧૨
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શિયાળાએ અસલી રંગ દેખાડવાનું શરૂ કરી દીધુ છે અને સતત ઠંડીમાં વધારા સાથે સવારનું તાપમાન નીચુ આવી રહ્યું છે. આજે પણ અનેક સ્થળોએ સવારનું તાપમાન ર થી ૩ ડિગ્રી જેટલું ઘટવા પામ્યું છે.  ખાસ કરીને સવારનું તાપમાન ઘટવા સાથે ઉત્તર-પૂર્વનાં ઠંડા પવનો ફુંકાતા હોય ઠંડીની તિવ્રતા વધુ અનુભવાઇ છે. 
દરમ્યાન આજે પણ રાજકોટ સહિત અર્ધો ડઝન શહેરોમાં સવારે શીત લહેરો વચ્ચે ૧૨ ડિગ્રી લઘુતમ તાપમાન  નોંધાવા પામ્યું હતું. ગિરનાર પર્વત ઉપર ફરી એકવાર તાપમાન નીચુ સરકયુ હતું અને ૭.૨ ડિગ્રી તાપમાન નોંધાતા પ્રવાસીઓ ઠુંઠવાયા હતા.
રાજયમાં આજે સૌથી વધુ ઠંડી નલીયા અને અમરેલી ખાતે નોંધાઇ હતી. આજે સવારે નલિયામાં સતત બીજા દિવસે સિંગલ ડિઝીટ સાથે ૮.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા નલિયાવાસીઓએ  હિમ જેવા વાતાવરણનો અનુભવ કર્યો હતો. આ ઉપરાંત આજે સવારે અમરેલી ખાતે ૧૦.૪ ડિગ્રી સાથે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઠંડી અનુભવાઇ હતી.