“ભાજપના દબાણમાં આવીને કામગીરી કરશો તો કાયદાકીય કાર્યવાહી થશે” : ગીર સોમનાથ કોંગ્રેસ

SIRની કામગીરી મુદ્દે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યા : કોંગ્રેસ વિચારધારા સાથે જોડાયેલા સાચા મતદારોના નામ કમી કરવાનો પ્રયાસ હોવા અંગે જિલ્લા ચૂંટણીઅધિકારીને આવેદનપત્ર આપ્યું

“ભાજપના દબાણમાં આવીને કામગીરી કરશો તો કાયદાકીય કાર્યવાહી થશે” : ગીર સોમનાથ કોંગ્રેસ

વેરાવળ તા.ર૩
ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલી SIR(મતદારયાદી સુધારણા) પ્રક્રિયા બાબતે કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજા વંશની આગેવાની હેઠળ જિલ્લાના ચારેય વિધાનસભાના જવાબદાર આગેવાનો તથા સંગઠનના હોદેદારો ઇણાજ સ્થિત જિલ્લા સેવા સદનમાં પહોંચ્યા હતા. આ દરમ્યાન “મતદારયાદી સુધારણામાં ગોલમાલ બંધ કરોપ બંધ કરોપ” જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજા વંશ સાથેના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજા વંશે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં SIRની કામગીરી ચાલી રહી છે, પરંતુ ચૂંટણી પંચની ગાઈડલાઇનના વિરોધમાં કામગીરી થતી હોવાની ગંભીર શંકા છે. BLO દ્વારા મેપિંગ બાદ પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ થઈ ચૂકી છે, છતાં છેલ્લા ત્રણ દિવસમાં ચારેય વિધાનસભામાં મોટા પ્રમાણમાં ફોર્મ નં.૭ ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. 
તેમના જણાવ્યા અનુસાર, ભાજપના કહેવાતા લોકો દ્વારા તથા પાર્ટીના આયોજનબદ્ધ કાર્યક્રમ મારફતે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા મતદારોના નામ કમી થાય તે હેતુથી એવા લોકોના નામે ફોર્મ ભરાયા છે, જે ગામના નથી અથવા વિદેશમાં રહે છે. ફોર્મ નં. ૫ અને ૭નો દુરૂપયોગ કરીને સાચા મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. પુંજા વંશે વધુમાં જણાવ્યું કે રાષ્ટ્રીય પક્ષ તરીકે કોંગ્રેસે વહીવટી તંત્ર પાસે ફોર્મ નં.૭ અંગેની નામજોગ માહિતી માંગેલી છે, પરંતુ હજી સુધી તે માહિતી પૂરી પાડવામાં આવી નથી. તેમણે દહેશત વ્યક્ત કરતાં કહ્યું કે સત્તાધારી પક્ષ દ્વારા વહીવટી તંત્ર અને ચૂંટણી પંચનો દુરૂપયોગ કરીને લોકશાહીના મૂળભૂત અધિકાર પર ઘા કરવાની ષડયંત્ર રચાઈ રહ્યું છે. આવેદનપત્ર મારફતે જિલ્લા કોંગ્રેસે માંગણી કરી છે કે ચારેય વિધાનસભામાં ભરાયેલા તમામ ફોર્મ નં.૭ની સંપૂર્ણ ચકાસણી અને વેરિફિકેશન કરવામાં આવે અને જે મતદારોના નામ અગાઉ ફોટા સાથે મતદારયાદીમાં પ્રસિદ્ધ થયા છે, તેમાંથી એક પણ સાચો મતદાર મતદાનથી વંચિત ન રહે. અંતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ચારેય વિધાનસભાના BLOને ચેતવણી આપતાં કહ્યું કે તેઓ ભાજપના દબાણમાં આવ્યા વિના સંપૂર્ણ નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે કામગીરી કરે. કાયદેસર મતદારોના નામ જો બિનજરૂરી રીતે મતદારયાદીમાંથી કમી કરવામાં આવશે તો પુરાવા સાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.