ભવનાથ મહાદેવ મંદિરનાં મહંતની નિમણુંક ગુરૂ શિષ્ય પરંપરા આધારીત કરવા બુલંદ માંગણી
મહંત પદની નિમણુંકમાં અન્યાય થશે તો આમરણાંત ઉપવાસની ભવનાથ મંદિર પરીવારના સાધુ રાજુગીરી બાપુની ચીમકી
જૂનાગઢ તા. 13
ભવનાથ તળેટીમાં આવેલા અને કરોડો શ્રધ્ધાળુના આસ્થાના કેન્દ્ર ભવનાથ મહાદેવ મંદિરનાં મહંતની નિમણુંક ગુરૂ શિષ્ય પરંપરા આધારીત વહેલી તકે કરવાની બુલંદ માંગણી સાથે ભવનાથ મંદિર પરીવારના સાધુ રાજુગીરી બાપુએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે તેમજ મહંત પદની નિમણુંકમાં અન્યાય થશે તો આમરણાંત ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
ભવનાથ મહાદેવ મંદિર ભાવિકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે. અહી દેશભરમાંથી શ્રધ્ધાળુઓ અને ભાવિકો દર્શનાર્થે આવે છે. શિવરાત્રીનો મહામેળો પણ ભવનાથ મહાદેવનાં સાંનિધ્યમાં દર વર્ષે ભકિતભાવ પૂર્વક ઉજવવામાં આવે છે. આ વર્ષે સરકારના સીધા નિર્દેશન હેઠળ ભવનાથનો શિવરાત્રીનો મહામેળો દિવ્ય અને ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. દરમ્યાન ભવનાથના તત્કાલીન મહંત હરીગીરી બાપુની મહંત તરીકેની નિમણુંક અંગે અનેક સવાલો ઉભા થયા હતા તેમજ નાણાંકીય વહેવારો કરી અને હરીગીરી બાપુને મહંત પદે નિમણુંક આપી હોવાના ગંભીર પ્રકારના આક્ષેપો પુરાવા સહીત ઉચ્ચકક્ષાએ રજુ કરવામાં આવ્યા હતાં. દરમ્યાન એકાદ વર્ષ પહેલા તત્કાલીન મહંત હરીગીરી બાપુની મુદત પુર્ણ થાય તેના એક દિવસ પહેલા જ તેમને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતાં અને ત્યારથી ભવનાથ મહાદેવ મંદિરનો કારોબાર અને વહીવટ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. અને વહીવટદાર શાસન અમલી થયુ હતું. ભવનાથ મહાદેવ મંદિરનાં મહંતની નિમણુંક માટેની સતત રજુઆતો કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી ભવનાથ મહાદેવ મંદિરના મહંતની નિમણુંક કરવામાં આવી નથી ત્યારે ભવનાથ મહાદેવ મંદિરનાં મહંતની નિમણુંક કરવા માટેની રજુઆતો સાધુ સંતો અને અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી આગળની કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ભવનાથ મહાદેવ મંદિર પરીવારના સાધુ રાજુગીરી બાપુએ મહંતની નિમણુંક વહેલી તકે કરવાની માંગણી કરી છે. આ સાથે જ તેઓએ એક વિડીયોના માધ્યમથી પોતાની વાત રજુ કરતા સ્ફોટક નિવેદન આપેલ છે. આ નિવેદનમાં રાજુગીરી બાપુએ જણાવેલ છે કે ભવનાથ મહાદેવ મંદિર એ સંસારીઓની જગ્યા નથી પરંતુ નાગા સન્યાસીઓની જગ્યા છે. અને જયાં છેલ્લા 300 વર્ષ થયા ગુરૂ શિષ્ય પરંપરા આધારીત મહંતની નિમણુંક થતી હોય છે. પરંતુ છેલ્લા 15 વર્ષથી ભવનાથ મહાદેવ મંદિર પરીવારના ગુરૂ શિષ્ય પરંપરા આધારીત અમોને યેનકેન પ્રકારે દુર કરવામાં આવ્યા છે. અનેકવાર અરજ અહેવાલ કરવા છતાં અમારૂ કોઈ સાંભળતુ નથી. તંત્રને તેમજ સંબંધીત વિભાગોને રજુઆતો કરવામાં આવી છે. અમારી પાસે પૈસા નથી એટલે અમારૂ કોઈ સાંભળતુ નથી. અને જેમની પાસે પૈસા છે તેઓને મહંત તરીકેના ઓર્ડર આપી દેવામાં આવતા હોવાના આક્ષેપો પણ કર્યા છે. દશનામ જુના અખાડાના અને મઢીના મહંત તેમજ ભવનાથ મંદિર પરીવારના સાધુ રાજુગીરીએ અંતમાં જણાવેલ છે કે ગુરૂ શિષ્ય પરંપરા આધારીત ભવનાથ મહાદેવ મંદિરનાં મહંત પદે વહેલી તકે નિમણુંક કરવાની માંગણી કરવામાં આવી છે તેમજ મહંત પદની નિમણુંક બાબતમાં અન્યાય કરવામાં આવશે તો આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી પણ સાધુ રાજુગીરી બાપુએ અંતમાં આપી છે.


