જૂનાગઢમાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ગુરૂપૂર્ણિમાની થયેલી ભાવપૂર્ણ ઉજવણી
જૂનાગઢ તા.29
જૂનાગઢ શહેરનાં જવાહર રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આજે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ પૂજન સહીતનાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.
શ્રી રાધારમણ દેવ ટેમ્પલ સમીતીનાં ચેરમેન પૂ. પી.પી. સ્વામીનાં માર્ગદર્શન હેઠળ અને પૂ. દેવનંદન સ્વામીજીનાં આર્શિવાદ અને કૃપાદ્રષ્ટી તેમજ મહંત ધર્મકિશોરદાસજી મહારાજ અને સર્વે સેવકગણ ટ્રસ્ટીઓ દ્વારા આજે સદગુરૂનું તેમજ સંતોનું પૂજન કરવામાં આવેલ હતું. આજે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરૂપૂર્ણિમાનો અવસર અને સાથે જ પૂનમનાં આ પર્વ પ્રસંગે પૂનમ ભરતા હરીભકતો સવારથી જ મોટી સંખ્યામાં મંદિર ખાતે ઉમટી પડયા હતાં. અને ધાર્મિક કાર્યનો લાભ લીધો હતો. ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધરાવાયેલા મહાપ્રતાપી સિદ્ધેશ્વર મહાદેવ સહીતનાં દેવો દ્વારા ભકતજનોની મનોકામના પૂર્ણ કરવામાં આવે છે. આજે ગુરૂપૂર્ણિમાનાં પર્વ પ્રસંગે એક વિશેષ કાર્યક્રમ પણ સવારે યોજવામાં આવ્યો હતો. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, મનપાનાં મેયર ધર્મેશભાઈ પોશીયા, ડે. મેયર આકાશભાઈ કટારા, શાસક પક્ષનાં નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી સહીતનાં મહાનુભાવો દ્વારા પણ સંતોનું પૂજન કરવામાં આવેલ હતું. પૂ. ગુરૂજીની પૂજા-અર્ચના કરી અને આર્શિવાદ ગ્રહણ કર્યા હતાં. મંદિરનાં સંતગણ દ્વારા તમામ મહાનુભાવોનું સ્વાગત કરી તેમને રક્ષાકવચ પાઠવવામાં આવ્યું હતું. આજે ગુરૂપુર્ણિમા પર્વની અનેકવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ હરીભકતો, ભાવિકો માટે પ્રસાદ ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સેવકગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી તેમ મંદિરનાં મેનેજર પ્રફુલભાઈ કાપડીયાની યાદીમાં જણાવેલ છે.


