શ્રી ગોરક્ષનાથ આશ્રમ ખાતે ગુરૂપુર્ણિમાની ઉજવણી- ભાવિકો ઉમટી પડયા
જૂનાગઢ તા.29
ગુરૂપુર્ણિમા પર્વની આજે સર્વત્ર ભાવપુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભવનાથ ખાતે આવેલા શ્રી ગોરક્ષનાથ આશ્રમ ખાતે પણ ગુરૂપુર્ણિમા મહોત્સવ ભાવ પુર્વક ઉજવવામાં આવી રહયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગોરક્ષનાથ આશ્રમ ખાતે ગઈકાલે બુધવારે જાણીતા કલાકારો બિરજુ બારોટ, માયાભાઈ આહીરનાં સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પીર યોગી પૂ.શેરનાથબાપુનાં માર્ગદર્શન હેઠળ ગુરૂપુર્ણિમાનાં પાવન અવસરની ઉજવણી કરવામાં આવી છે. આજે ગુરૂપુર્ણિમા પ્રસંગે સવારનાં ધ્વજારોહણ, ગુરૂ મહારાજનું પૂજન, સમાધી પૂજન સહીતનાં કાર્યક્રમો યોજાયા હતા. ગુરૂપુર્ણિમા પ્રસંગે ભાવિકો મોટી સંખ્યામાં શ્રી ગોરક્ષનાથ આશ્રમ ખાતે ઉમટી પડયા હતા. શિષ્ય સમુદાય દ્વારા પૂ.શેરનાથ બાપુનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. શ્રી ગોરક્ષનાથ આશ્રમ ખાતે આવેલા સંતો, સેવકગણ અને ભાવિકોને માટે પ્રસાદ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સેવક ગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.


