જૂનાગઢ શહેરમાં મોતીબાગથી મધુરમ વિસ્તારનાં નડતરરૂપ દબાણો દુર કરાયા

જૂનાગઢ શહેરમાં મોતીબાગથી મધુરમ વિસ્તારનાં નડતરરૂપ દબાણો દુર કરાયા

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.29
જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગોને દબાણમુક્ત કરવા અને ટ્રાફિકની સમસ્યામાંથી નાગરિકોને કાયમી મુક્તિ અપાવવા માટે પોલીસ વિભાગ અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકા જૂનાગઢની દબાણ શાખા અને સી ડિવિઝન પોલીસના સંયુક્ત ઉપક્રમે મોતીબાગથી મધુરમ ટીંબાવાડી વિસ્તાર તેમજ મધુરમ મેઈન રોડ અને ટીંબાવાડી મેઈન રોડ પર સંયુક્ત ‘દબાણ હટાવો ડ્રાઇવ‘ યોજવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન રસ્તા પર અનાધિકૃત રીતે ઉભા રહેતા ફળ-શાકભાજીના લારી-ગલ્લાં અને ખાણી-પીણીની ગેરકાયદેસર કેબિનોને દૂર કરવામાં આવ્યા છે. વેપારીઓ અને નાના ફેરિયાઓની રોજીરોટી ન છીનવાય અને તેમનું ગુજરાન જળવાઈ રહે તે બાબતને ધ્યાને રાખીને મહાનગરપાલિકા દ્વારા મધુરમ વિસ્તારમાં વિશેષ રૂપે હોકર્સ ઝોન(ૐટ્ઠુાીજિ ર્ઢહી) તૈયાર કરવામાં આવેલ છે. ફેરિયાઓ ત્યાં વ્યવસ્થિત રીતે પોતાનો વ્યવસાય કરી શકશે. જૂનાગઢ પોલીસ વિભાગ અને જૂનાગઢ મહાનગરપાલિકા  દ્વારા જણાવાયું છે કે આગામી દિવસોમાં પણ શહેરના તમામ મુખ્ય રસ્તાઓને દબાણમુક્ત રાખવા માટે આ પ્રકારની કામગીરી સતત અને સઘન રીતે ચાલુ રાખવામાં આવશે.