નવિનીકરણ પામેલા નરસિંહ મહેતા સરોવર નિહાળવા શહેરીજનો ઉમટી પડયા
જૂનાગઢ તા. ર૯
જૂનાગઢનાં નગરજનોની આતુરતાનો ગઈકાલે અંત આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ સાથે જ શહેરીજનો માટે નરસિંહ મહેતા સરોવર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. લોકો નરસિંહ મહેતા સરોવરનો નજારો નીહાળવા ભારે મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.
છેલ્લા કેટલાય સમય થયા શહેરની મધ્યમમાં આવેલા નરસિંહ મહેતા સરોવરને નયનરમ્ય બનાવવા તેમજ અમદાવાદનાં કાંકરીયા તળાવની માફક બનાવવાની યોજના જારી કરવામાં આવી હતી. લાંબી પ્રતિક્ષા બાદ ગઈકાલે નરસિંહ મહેતા સરોવર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આદ્ય કવિ નરસિંહ મહેતાની પ્રતિમાની અનાવરણ વિધિ પણ મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે કરવામાં આવી હતી.
નરસિંહ મહેતા સરોવર ખાતે જે કંઈ સુવિધા હાલનાં સંજાેગોમાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે તેનું નિરીક્ષણ પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યુ હતું. નરસિંહ મહેતા સરોવરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. હજુ કેટલીક સુવિધા ઉભી કરવાની છે જેને લઈને મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી કે, સરોવરનાં બાકી રહેલા કામો માટે રૂા. પ થી ૭ કરોડની વધારાની દરખાસ્ત મોકલવાની સુચના આપી હતી. જૂનાગઢ શહેર એ ઐતિહાસીક શહેર, ધામિર્ક શહેર તેમજ ફરવાલાયક અનેક સ્થળો આવેલા છે જેમાં નરસિંહ મહેતા સરોવર ખુલ્લુ મુકાયા બાદ વધુ એક રમણીય સ્થળ આમ જનતા માટે કાર્યરત બન્યું છે. શહેરીજનોને આકર્ષણ રૂપ બનેલા નરસિંહ સરોવર ખાતે હાલનાં કેટલોક સમય સુધી વિનામૂલ્યે પ્રવેશ મળવાપાત્ર બનેલ છે જેનો લાભ લેવા શહેરીજનોને અનુરોધ કરેલ છે. વિનામૂલ્યે પ્રવેશ ટેન્ડર ન થાય ત્યાં સુધી જ સવલત મળશે અને ત્યારબાદ ફીનું ધોરણ નકકી થશે તેમ મનાય છે.


