જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર કાલે ધુળેટીના રંગે રંગાશે
અબીલ, ગુલાલ અને રંગો વડે લોકો ખેલશે ધુળેટી ઉત્સવ : લોકોમાં ભારે ઉત્સાહ
જૂનાગઢ તા. ૩
હોળી અને ધુળેટીનાં પર્વની દર વર્ષે પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ચંદ્રગ્રહણને લઈને ધુળેટીનું પર્વ એક દિવસ મોડું એટલે કે હોળીના બીજા દિવસને બદલે આવતીકાલ બુધવારે ઉજવવામાં આવશે. જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર આવતીકાલે ધુળેટીનાં રંગે રંગાઈ જશે. લોકોમાં ભારે ઉત્સાહ છવાયો છે. ગઈકાલે જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં હુતાસણીનું પર્વ ઉજવવામાં આવ્યું હતું અને ઠેર-ઠેર હોલીકાદહનનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ચંદ્રગ્રહણને લઈને મંગળવારે ‘ધોકો’ રહયા બાદ આવતીકાલે બુધવારે ધુળેટી પર્વની સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.
હોળી અને ધુળેટીનો તહેવાર એટલે આસ્થા અને રંગોનો તહેવાર પણ ગણાય છે. ફાગણ સુદ-૧પ ના દિવસે હોળી એટલે કે હુતાસણી પર્વની ઉજવણી બાદ ‘ધુળેટી’ પર્વ ઉજવાઈ છે. આ વર્ષે સોમવારે હુતાસણી અને આજે મંગળવારે ધોકો રહયા બાદ અવતીકાલે ધુળેટી પર્વ ઉજવાશે.
આપણે ત્યાં દરેક તહેવારોનું આગવું મહત્વ રહેલું છે. તહેવારોની ઉજવણી અંગે સિનેમામાં તો યોગ્ય સ્થાન આપવામાં આવતું હોય છે. ૧૯૭૦ના દાયકાની સુપર હીટ ફિલ્મ ‘શોલે’કે જેમાં હોળી ઉપરનું ગીત ધર્મેન્દ્ર અને હેમા માલીની ઉપર ફિલ્માંકન કરાયું હતું તે હોલી કે દિન દિલ મીલ જાતે હૈ, રંગો મે રંગ મીલ જાતે હૈ’ આ ગીત ઘણું કહી જાય છે. રંગોની મીલાવટ અને પ્રણયગાન સમુ આ ગીત આજે પણ યાદગાર રહયું છે. આ ઉપરાંત અમીતાભ બચ્ચન અને રેખાનેલઈને પ્રણય ત્રિકોણ સમી ‘સીલસીલા’ ફિલ્મનાં રંગબરસે ભીગે ચુનરવાલી રંગ ભરસે...ગીતે પણ ધુમ મચાવી હતી અને આ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય રહયું છે.
હોળી અને ધુળેટીનો તહેવાર લોકોમાં અનેરો ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કરનાર છે. ધુળેટીનાં તહેવારને રંગોનો તહેવાર કહેવામાં આવે છે. આ દિવસે લોકો તમામ મતભેદો ભુલીને રાગદ્વેષ દુર કરી અને અબીલ, ગુલાલ, કેસુડાના રંગેથી એકબીજાને ઉડાવે છે અને શુભેચ્છા પાઠવે છે. હોળી-ધુળેટીનાં પર્વ પ્રસંગે ખાસ કરીને ‘કેસુડા’માંથી કલર બનાવી કેસુડાના રંગથી ધુળેટી રમવામાં આવતી હતી. હોળી અને ધુળેટી પર્વની ઉજવણીમાં ધર્મસ્થાનોમાં ફુલડોલ ઉત્સવ પણ યોજવામાં આવે છે. ધુળેટીનાં પર્વ પ્રસંગે આવતીકાલે સમગ્ર સૌરાષ્ટ્રમાં રંગોની છોળો ઉડશે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો દરેક તહેવારોને ઉત્સાહભેર ઉજવતું જૂનાગઢ શહેરમાં ધુળેટીનાં પર્વની પણ શાનદાર ઉજવણી કરવામાં આવશે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં ખાસ ધુળેટી પર્વને લઈને કલરની પડીકી, અબીલ, ગુલાલ, પીચકારીનું વેચાણ કરવામાં આવી રહયું છે. બાળકોને પ્રિય એવી કલર ભરવાની પીચકારીમાં આ વખતે અનેક વેરાયટીઓ ઉપલબ્ધ છે. રૂા.૧૦, રપ, પ૦, ૧૦૦, ર૦૦ થી પણ વધારે કિંમતની પીચકારીનું વેચાણ થઈ રહયું છે. ધુળેટી પર્વને ઉજવવા માટે ભારે ઉત્સાહ લોકોમાં પ્રવર્તી રહયો છે.


