આવતીકાલે ૯.૩૪ કરોડ કિસાનોના ખાતામાં રૂા.ર૦૦૦ જમા થશે : દિવાળીની ભેટ

આવતીકાલે ૯.૩૪ કરોડ કિસાનોના ખાતામાં રૂા.ર૦૦૦ જમા થશે : દિવાળીની ભેટ

નવી દિલ્હી,તા.૨૯:
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) ના ૨૪મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે દિવાળીની ભેટ રૂપે સારા સમાચાર આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૦ ઓક્ટોબરે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી આ હપ્તાની રકમ જાહેર કરશે. આ અંતર્ગત, દેશભરના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ.૧૮,૬૮૦ કરોડથી વધુની નાણાકીય સહાય મળશે. ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદી ૩૦ અને ૩૧ ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે. તેમની મુલાકાતના બીજા દિવસે, ૩૧ ઓક્ટોબરે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાના એકતા નગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે. આ કાર્યક્રમ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા જિલ્લાના ભીલડીમાં રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં પીએમ કિસાન યોજનાનો ૨૪મો હપ્તો જારી કરશે. આ કાર્યક્રમ દરમિયાન, દેશભરના પાત્ર ખેડૂત પરિવારોના ખાતામાં નાણાકીય સહાય ટ્રાન્સફર કરવામાં આવશે. ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ.૧,૦૫૧ કરોડથી વધુની રકમ મળશે.