જૂનાગઢમાંથી નકલી ઘીનો કાળો કારોબાર ઝડપાયો

દિવેલ, સોયાબીન તેલમાંથી નકલી ઘી બનાવી રૂા. ૬૦૦નું કિલો વેચાતું હતું પ૦૦ કિલો જથ્થો જપ્ત કરાયો

જૂનાગઢમાંથી નકલી ઘીનો કાળો કારોબાર ઝડપાયો

જૂનાગઢ તા.૨૬
જૂનાગઢમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતાં નકલી દેશી ઘીના મોટા કૌભાંડનો એસઓજી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. માર્કેટિંગ યાર્ડ નજીક દુકાન નં-૧૫ જય ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં દિવેલાના વેપારની આડમાં સોયાબીન તેલ અને કેમિકલ ભેળવી ‘વ્રજ મટુકી’ તેમજ ‘કેશવ’ જેવી ધામિર્ક બ્રાન્ડના નામે ‘ગીર ગાયનું શુદ્ધ ઘી’ કહી રૂા.૬૦૦ પ્રતિ કિલોના ભાવે ગ્રાહકોને પધરાવી દેવામાં આવતું હોવાની વિગતો બહાર આવી છે.
આ અંગે મળતી વિગત અનુસાર કમલેશ સોઢા નામના રીઢા ભેળસેળિયા દ્વારા છેલ્લા ૪-૫ વર્ષથી આ ગોરખધંધો ચલાવવામાં આવતો હતો. ત્યારે કમલેશ જેન્તીલાલ સોઢા લોહાણાને ઝડપીને રૂા. ૧,૧૦,૦૦૦ની કિંમતનો ૫૦૦ કિલોગ્રામ ભેળસેળ યુક્ત ઘી નો જથ્થો, દિવેલ તથા ઘી બનાવવાની વિવિધ સાધન સામગ્રી કબજે કરવામાં આવી હતી. એસઓજી દ્વારા પડાયેલા દરોડા દરમ્યાન પુછપરછમાં સામે આવેલી વિગતો મુજબ આરોપી મોટા વાસણોમાં સોયાબીન તેલ, દિવેલાનું તેલ, કૃત્રિમ ઘી ફ્લેવર તેમજ વિવિધ જોખમી કેમિકલો અને એસેન્સનું મિશ્રણ કરીને આ શંકાસ્પદ દેશી ઘી તૈયાર કરતો હતો. ઘી બનાવવા માટે વપરાતા મોટા કન્ટેનરમાં ખાસ પ્રકારની પાઈપલાઈન અને ફિટિંગ ગોઠવવામાં આવી હતી, જેના દ્વારા સીધું જ પ્રવાહી ડબ્બાઓમાં ભરી લેવાતું હતું. કારખાનામાંથી આઠથી વધુ જાણીતી બ્રાન્ડના ડબ્બા, નામાંકિત કંપનીઓના બનાવટી લોગોવાળા સ્ટીકરો તેમજ ઘીની સુગંધ આપતી એસેન્સની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો છે. ખાસ કરીને પેકિંગ કરેલા ડબ્બાઓમાં કોઈપણ પ્રકારની એક્સપાયરી ડેટ કે બેચ નંબર પણ લખેલા ન હતા. આરોપીઓ સાદા તેલ અને કેમિકલથી બનેલા આ નકલી ઘીના ડબ્બાઓ પર ગીર ગાયના શુદ્ધ દેશી ઘી તેમજ પ્રખ્યાત બ્રાન્ડ્સના નકલી લેબલ ચોંટાડી દેતા હતા. ત્યારબાદ બજારમાં આ ભેળસેળિયું ઘી અસલી અને પૌષ્ટિક હોવાનો દાવો કરીને રૂા.૬૦૦ પ્રતિ કિલોના ભાવે ગ્રાહકોને પધરાવવામાં આવતું હતું. દિવાળીના તહેવારો નજીક હોવાથી મીઠાઈ અને અન્ય વાનગીઓમાં શુદ્ધ ઘીની માંગ વધી હોય એવા સમયે આ મોટા કૌભાંડનો પર્દાફાશ થતાં લોકોના સ્વાસ્થ્યને થનારું મોટું નુકસાન અટક્યું છે. એસઓજીની કાર્યવાહી બાદ સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. તપાસ દરમ્યાન લાખો રૂપિયાની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો, રો મટિરિયલ્સ અને સાધન-સામગ્રી જપ્ત કરવામાં આવી છે. વધુમાં પકડાયેલા મુદામાલમાં વ્રજ મટુકી, શ્રી ગીરધન ગાય પ્રીમિયમ, શ્રી કાઠીયાવાડી ગીર, અનુપા અને નંદી બ્રાન્ડ ફ્લેવરની બોટલો (કુલ ૩૧ નંગ) તેમજ રિફાઈન્ડ સોયાબીન ઓઈલ ભરેલ સીલબંધ ડબ્બા (૩૦ નંગ), ખાલી ડબ્બા (૬૨ નંગ) અને માર્કા વગરના દિવેલના ડબ્બા (૪ નંગ) પેકિંગ અને સીલિંગ સામગ્રી: પ્લાસ્ટિકના ડબ્બા પેકિંગ કરવાના ઇન્ડક્શન સીલીંગ ફોઈલ (૧૦૦૦ નંગ), ડબ્બા સીલ કરવાના મશીન (૩ નંગ), પેકિંગ મશીન (૧ નંગ), અને સીલીંગ મશીન (૧ નંગ) આ ઉપરાંત જુદી-જુદી કંપનીઓ અને બ્રાન્ડના નામે ઉપયોગમાં લેવાતા સ્ટીકર્સ (જેવા કે શ્રી કાઠીયાવાડી ગીર, વ્રજ મટુકી, અનુપા, ગીરધન, રાસભોગ, શ્રી શામજી અને દાનેદાર શુદ્ધ ઘીના સ્ટીકરો ઝડપાયા છે. વધુમાં તપાસ અર્થે સેમ્પલ સીલ કરી લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. બીજી તરફ, જે ગંભીર કામગીરી નિયમિત તપાસ કરીને અટકાવવાની જવાબદારી ફૂડ વિભાગની હતી તે કામગીરી પોલીસ તંત્રએ કરવી પડતાં સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતા સામે શહેરીજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.