દ્વારકાધીશ જગતમંદિરમાં પરંપરાગત ઉજવાયો શરદોત્સવ : ઠાકોરજીને દૂધ-પૌઆનો વિશેષ મહાભોગ

રાજાધિરાજને વિશેષરૂપે શ્વેત વસ્ત્રો, મસ્તક પર મયુરમુકુટ, સુવર્ણજડિત આભુષણો, ચોટી સહિતાનો દિવ્ય શૃંગાર ધારણ કરાવવામાં આવ્યા

દ્વારકાધીશ જગતમંદિરમાં પરંપરાગત ઉજવાયો શરદોત્સવ : ઠાકોરજીને દૂધ-પૌઆનો વિશેષ મહાભોગ

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર૬
દ્વારકાધીશ જગતમંદિરમાં રવિવારે સાંજે શરદોત્સવની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવી હતી. જગતમંદિર પરિસરમાં સાંજે સંધ્યા આરતી બાદ શરદોત્સવ ઉજવાયો હતો. રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશને રાસેશ્વર કૃષ્ણના ભાવથી શૃંગાર ધારણ કરાવવામાં આવ્યા હતા. રાજાધિરાજને સાંજના સમયે વિશેષરૂપે શ્વેત વસ્ત્રો, મસ્તક પર મયુરમુકુટ, સુવર્ણજડિત આભુષણો, ચોટી સહિતાનો દિવ્ય શૃંગાર ધારણ કરાવવામાં આવ્યા. સંધ્યા આરતી બાદ રાત્રે ૮ થી ૧૦:૩૦ સુધી જગતમંદિર પરિસરમાં રાસોત્સવ યોજાવામા આવ્યો. રાણીવાસમાં બિરાજતાં ઉત્સવસ્વરૂપ એવા ગોપાલજી મહારાજને મંદિર પરિસરમાં ચંદ્રના પ્રકાશમાં બિરાજમાન કરાવી દૂધ પૈવાનો વિશેષ મહા ભોગ લગાવી ઉત્સવ આરતી કરવામાં આવી. ગોપી ભાવથી આનંદ પુજારી દ્વારા ગોપીવેશ ધારણ કરવામાં આવ્યો હતો. જગતમંદિરમાં શરદોત્સવનું વિશેષ મહત્વ હોય ભાવિકો આ દિવસે અચૂક જગતમંદિરમાં રાસોત્સવ મનાવવા પધારે છે. પૂજારી પરિવાર અને ભાવિકો મંદિર પરિસરમાં ભગવાન સાથે શ્રીજીના ધામિર્ક ભજનો સાથે રાસોત્સવ રમી ઝુમી ઉઠ?યા હતા. મોટી સંખ્યામાં કાળીયા ઠાકોરના દર્શન કરી રાસોત્સવ રમી નિહાળ્યો હતો.