ઉના તાલુકાના ભીગરણ ગામે એકલા રહેતા વૃધ્ધ મહિલાની અજાણ્યા શખ્સોએ હત્યા કરી સોનાના દાગીના લૂંટ કરી નાસી ગયા
ઘરમાં એકલાં રહેતાં રખમાઈબેન પીઠાભાઈ બાંભણિયાની હત્યાથી પંથકમાં ચકચાર, લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો : સીસીટીવી અને હ્યુમન સોસિર્સના આધારે પોલીસ તપાસમાં લાગી
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.ર૬
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભીંગરણ ગામમાં ધોળા દિવસે લૂંટ વિથ મર્ડરની ચકચારી ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ગામમાં આંગણવાડી કેન્દ્ર નંબર-૧ નજીક રહેતાં ૮૫ વર્ષીય વૃદ્ધા રખમાઈબેન પીઠાભાઈ બાંભણિયાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ, વૃદ્ધાના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ તેમના બંને કાન કાપીને સોનાનાં બે બૂટિયા અને સોનાની ત્રણ કડી લૂંટી લેવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. વૃદ્ધાની હત્યા અને ઘરેણાંની લૂંટની ઘટનાએ ગ્રામજનોમાં ભય અને રોષની લાગણી ફેલાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રખમાઈબેન પીઠાભાઈ બાંભણિયા ભીંગરણ ગામમાં આવેલા પોતાના મકાનમાં એકલાં રહેતાં હતાં, જ્યારે તેમનો પરિવાર વાડી ખાતે આવેલા મકાનમાં રહેતો હતો. રવિવારે બપોરે આશરે ૨ થી ૩:૩૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન આ ઘટના બની હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. વૃદ્ધા ઘરે એકલાં હોવાનો લાભ લઈને અજાણ્યા શખસોએ તેમના પર હુમલો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ અને લૂંટ સાથે તેનો સંબંધ શું છે તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. વૃદ્ધાના ઘરે તેમના સંબંધીઓ મળવા માટે પહોંચ્યા ત્યારે ઘરની અંદર લોહીથી લથપથ હાલતમાં તેમનો મૃતદેહ જમીન પર પડેલો જોવા મળ્યો હતો. આ હૃદયદ્રાવક દૃશ્ય જોઈને સંબંધીઓ ચોંકી ઊઠયા હતા. ત્યારબાદ પરિવારજનો અને પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઘટનાની ખબર ગામમાં વાયુવેગે ફેલાતાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે એકત્ર થયા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે, હત્યારાએ વૃદ્ધાના ગળા પર ધારદાર હથિયાર વડે હુમલો કરી તેમની હત્યા કરી હતી. ત્યારબાદ તેમના બંને કાન કાપીને સોનાનાં બે બૂટિયા અને સોનાની ત્રણ કડી લૂંટી લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. ધોળા દિવસે ગામની અંદર બનેલી આ ઘટનાએ લોકોની સુરક્ષાને લઈને પણ ચિંતા ઊભી કરી છે. ભીંગરણ ગામના સરપંચ જયેશ સોલંકીના જણાવ્યા અનુસાર, તેમને સાંજે ૪:૦૪ વાગ્યે આ ઘટના અંગે ફોન આવ્યો હતો. જાણ થતાં જ પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ નવા બંદર પોલીસ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મૃતક રખમાઈબેનના પરિવારમાં કુલ ચાર દીકરા હતા, જેમાંથી હાલ ત્રણ દીકરા હયાત હોવાનું જાણવા મળ્યું છે. ઘરેણાંની લૂંટ માટે એક વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવી હોવાની આશંકાએ સમગ્ર ગામમાં શોક અને આક્રોશનો માહોલ સજ્ર્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે હ્યુમન સોસિર્સ અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. ઘટનાના સમયે આસપાસ કોઈ શંકાસ્પદ વ્યક્તિની અવરજવર થઈ હતી કે કેમ, ઘટનામાં કેટલા શખસો સંડોવાયેલા છે અને લૂંટાયેલાં ઘરેણાં ક્યાં છે તે સહિતના મુદ્દાઓ પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ, ઘટનામાં સંડોવાયેલા શખસોની ઓળખ અને લૂંટના ઇરાદા અંગે પોલીસ તપાસ ચાલુ છે. તપાસમાં સામે આવનારી વિગતોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.


