નવરાત્રી-દશેરાનો તહેવાર કંપનીઓને ફળ્યો મોંઘવારી છતા વાહનોનું ધુમ વેચાણ થયું
નવી દિલ્હી,તા.૨૧:
કમ્મરતોડ મોંઘવારી છતાં, નવરાત્રી-દશેરા સમયગાળા દરમિયાન કપડાં, જૂતા, રેફ્રિજરેટર, એર કન્ડીશનર અને વોશિગ મશીનના વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઉદ્યોગના અંદાજ મુજબ, ગત વર્ષની સરખામણીમાં નવરાત્રી-દશેરા તહેવારોની મોસમ દરમિયાન આ વસ્તુઓના વેચાણમાં ૨૦ ટકા થી વધુનો વધારો થયો છે. વધુમાં, વેચાયેલા યુનિટ્સની સંખ્યામાં પણ થોડો વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતો માને છે કે આ વૃદ્ધિ સરળ ફાઇનાન્સિંગ વિકલ્પોને કારણે હતી.
ગયા વર્ષે, GST દરમાં ઘટાડા પછી ખરીદીમાં વધારો થયો હતો. ઊંચા બેઝ હોવા છતાં, કારના છૂટક વેચાણમાં ૨ ટકા નો વધારો થયો હતો. ડીલરોના અંદાજ મુજબ, આ વર્ષે નવરાત્રિ દરમિયાન ૧૧ થી ૧૯ ઓક્ટોબર દરમિયાન આશરે ૧૦.૩ લાખ વાહનોનું વેચાણ થયું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ૧૦.૧ લાખ યુનિટ હતું.


