દ્વારકામાં વિજયા દશમીની ઉજવણી : જગત મંદિરેથી ઢોલ નગારાની સુરાવલી સાથે ગોપાલજીની ભવ્ય પાલખી યાત્રા નીકળી
ઠાકોરજીના બાલસ્વરૂપને ગાર્ડ ઓફ ઓનર અપાયું : સમી વૃક્ષ પાસે પરંપરાગત પુજન વિધી કરાઇ વેપારીઓ જોડાયા
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર૧
યાત્રાધામ દ્વારકામાં વિજ્યા દશમી દશેરાના પાવન અવસરે દ્વારકાધીશ જગત મંદિરેથી ઠાકોરજીના બાલસ્વરૂપ ગોપાલજી મહારાજની પાલખી યાત્રા નીકળી હતી. શહેરમાં હાઇવે રોડ પાસે આવેલ જગન્નાથ મંદિરે સમી વૃક્ષ પાસે દર વર્ષની જેમ પરંપરાગત પૂજન વિધિ કરવામાં આવી હતી. પરંપરાગત રીતે જગત મંદિર મુખ્ય ગેટ પાસે દ્વારકા મંદિર સુરક્ષા પોલીસ જવાનો દ્વારા ગોપાલજીની પાલખી યાત્રાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગોપાલજીની પાલખી યાત્રા પૂજન સામગ્રી સાથે ઠોલ નગારાના સુરાવલી સાથે દ્વારકાધીશ જગત મંદિરેથી વેપારીઓ તેમજ પુજારીઓ ધામધુમથી શહેરના ખારા હનુમાન પાસે જગન્નાથ મંદિર સુધી પાલખી યાત્રા લઈ પહોંચ્યા હતા. ત્યા વેપારી તેમજ પુજારી આનંદભાઈ ઉપાધ્યાય દ્વારા સમી વૃક્ષની પુજન વિધી કરી હતી. આ પૂજન વિધી ભગવાન દ્વારકાધીશે સૂચવેલી છે. શાસ્ત્રો પ્રમાણે જયારે મહાભારતમાં પાંડવો આગ્નાતવાસ માટે જતા હતા. ત્યારે અસ્ત્રો જે શક્તિના પ્રતિકો છે. તેને કયાં રાખવા ? એ સમસ્યા હતી. કારણ કે શકિત મન પડે તેમ રાખી ન શકાય એટલા માટે દ્વારકાધીશજી એ પાંડવોને આજ્ઞા કરી કે આપ સમી વૃક્ષને આપના શસ્ત્રો સોંપી દો જેનાં કારણે આપની શક્તિની વૃધી થશે. એજ પરંપરા પ્રમાણે દ્વારકામાં દશેરા નિમીતે પરંપરાગત પૂજન વિધી કરવામાં આવી હતી.


