ઉનામાં ૧૨૦ ગુનાઓમાં કબજે કરાયેલી વિદેશી દારૂની ૨,૮૧૩ બોટલોનો નાશ કરાયો
કોર્ટના હુકમ બાદ સુગર ફેક્ટરીના ગ્રાઉન્ડમાં કાર્યવાહી; DYSP મહાદેવ ચૌધરી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂનો નિકાલ કરાયો
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા. ૧૭
ગીર સોમનાથ જિલ્લાના ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાઓમાં કબજે કરવામાં આવેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો કોર્ટના હુકમ મુજબ નાશ કરવામાં આવ્યો હતો. ઉના-ગીરગઢડા રોડ પર આવેલી સુગર ફેક્ટરીના ગ્રાઉન્ડમાં શુક્રવાર, તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬ના કુલ ૧૨૦ ગુનાઓમાં કબજે કરાયેલા દારૂની બોટલોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
પંચનામા મુજબ, ઉના પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૫ દરમિયાન પ્રોહિબિશનના કુલ ૨૪ ગુનાઓ નોંધાયા હતા, જ્યારે વર્ષ ૨૦૨૬ દરમિયાન કુલ ૯૬ ગુનાઓ નોંધાયા હતા. આમ, બંને વર્ષના કુલ ૧૨૦ ગુનાઓમાં કબજે કરવામાં આવેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
આ કામગીરી નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, ઉનાની કોર્ટના હુકમ અને ઉના પ્રાંત અધિકારીના આદેશના અનુસંધાને કરવામાં આવી હતી. કોર્ટના નિર્દેશ મુજબ દરેક ગુનાના દારૂમાંથી સેમ્પલ તરીકે કુલ ૧૪૮ બોટલો રિઝર્વ રાખવામાં આવી હતી. જ્યારે બાકીની કુલ ૨,૮૧૩ બોટલો પર રોલર ફેરવી બોટલો તોડી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. દારૂના નાશની આ કામગીરી દરમિયાન ઉના વિભાગના DYSP મહાદેવ ચૌધરી, નશાબંધી વિભાગના અધિકારીઓ, ઉના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI કરશન મૂછાળ, ઉના પ્રાંત અધિકારી શામળા, ઉના મામલતદાર તેમજ પોલીસ સ્ટાફ જાેડાયો હતો. સંબંધિત અધિકારીઓની હાજરીમાં પંચોની રૂબરૂ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને કામગીરી અંગેનું પંચનામું તૈયાર કરવામાં આવ્યું હતું.
પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા દારૂના મુદ્દામાલનો કોર્ટના હુકમ મુજબ નિકાલ કરવાની આ કાર્યવાહી દરમિયાન કુલ ૨,૮૧૩ બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે ૧૪૮ બોટલોને સેમ્પલ તરીકે સુરક્ષિત રાખવામાં આવી હતી. આ સાથે ઉના પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬ દરમિયાન નોંધાયેલા કુલ ૧૨૦ ગુનાઓના જપ્ત મુદ્દામાલના નિકાલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.


