માંગરોળ શેરીયાજ બારા બંદર પર રહસ્મય રીતે બે માછીમાર યુવકોના મોત
સાંજના જ દરીયામાંથી માછીમારી કરીને પરત ફર્યા હતા તો ફરી રાત્રે દરીયામાં શું કરવા ગયા હતા? તે રહસ્મય બન્યું, મરીન પોલીસે સધન તપાસ હાથ ધરી
(પ્રતિનિધિ દ્વારા)
માંગરોળ તા ૧૭
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે શેરીયાજ બારા બંદર પરથી બે માછીમાર યુવકોની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ગઇકાલે સાંજના જ માછીમારી કરી પરત ફર્યા હતા અને રાત્રે ઘરે પણ હતા તો પછી મધ્ય રાત્રિએ દરીયામાં શું કરવા ગયા હતા તે પ્રશ્ન ઘણો રહસ્મય બન્યો છે. આ બાબતે માંગરોળ મરીન પોલીસે સધન તપાસ હાથ ધરી છે. આ બનાવની જાણવા મળતી પ્રાથમિક માહિતી એવી છે કે, મુળ માધવપુરના માછીમારો માંગરોળ બારા બંદર પર ધંધાર્થે રહેતા હોય. ગઈકાલે સાંજના જ દરીયામાંથી માછીમારી કરીને પરત ફર્યા હતા. અને રાત્રે ઘરે પણ હતા. પરંતુ વહેલી સવારે દરિયા કીનારેથી અસલમ હાસમ ભેસલીયા (ઉ. વ. ૩૫)ની લાશ દરીયા કિનારેથી મળી આવતા બારા બંદર પર અફરાતફરી મચી હતી. જ્યારે અન્ય યુવક ચાંદ હુસેન ઈસ્બાની (ઉ. વ. ૧૮ લાપતા હતો. એ દરમિયાન માંગરોળ મરીન પોલીસ બંદર પર પહોચી તપાસ હાથ ધરી હતી.
માછીમારી કરીને પરત ફરેલા યુવકો ફરી દરીયામાં શું કરવા ગયા અને બીજાે યુવક ક્યા છે? તેને લઇને ઘણા તર્ક વિતર્કો ઉભા થયા હતા. અને આ યુવકની હત્યા થઈ હોવાની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. પરંતુ સાંજના ચાર વાગ્યાની આસપાસ બીજા લાપતા યુવક ચાંદ હુસેન ઈસ્બાનીની પણ લાશ મળી આવતા મામલો વધુ રહસ્મય બન્યો હતો.
આખરે ગઈકાલે જ માછીમારી કરી પરત ફરેલ યુયુવકો રાત્રે દરિયામાં શું કામ ગયા? આખરે એમની સાથે શુ બન્યું? આ બંને યુવકોની હત્યા થઈ કે શું તેવી લોક ચર્ચાઓ વચ્ચે માછીમાર આગેવાન સુલેમાન હાસમ ઈસ્બાનીએ એવું નિવેદન આપ્યુ છે કે, અસલમ અને ચાંદ બંને યુવકો સાંજના માછીમારી કરીને પરત ફર્યા હતા અને રાત્રે અગિયાર વાગ્યે ફરી દરીયામાં ગયા હતા અને પછી એમના કોઈ મેસેજ મળ્યા નહી. તે દરમિયાન કોઈ આકસ્મિક ઘટના ઘટી છે જેના કારણે બંને યુવકોનું પાણીમા ડુબી જવાથી મોત નિપજ્યું છે.


