રાજસ્થાનમાં ખાટુશ્યામજી જઈ રહેલ બસ નાળામાં ખાબકતા ૮ શ્રધ્ધાળુના કરૂણ મોત

રાજસ્થાનમાં ખાટુશ્યામજી જઈ રહેલ બસ નાળામાં ખાબકતા ૮ શ્રધ્ધાળુના કરૂણ મોત

(એજન્સી)               કોટા તા.૧૭
રાજસ્થાનમાં કોટા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ૨૫થી વધુ મુસાફરો ભરેલી મિની બસ (ટેમ્પો ટ્રાવેલર) નાળામાં ખાબકતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં મધ્ય પ્રદેશના બેતુલના રહેવાસી ૮ લોકોનાં મોત થયાં છે. અકસ્માત શનિવારે સવારે ૬ વાગ્યે સિમલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમા થયો.
બસ ભોપાલથી ખાટૂ શ્યામજી જઈ રહી હતી. કરાડિયા ટોલથી થોડે કિલોમીટર દૂર તે પુલ પરથી ૧૫ ફૂટ નીચે પડી ગઈ. અકસ્માતમાં ૧૭ મુસાફરો ઘાયલ થયા છે.
અંધારાને કારણે બચાવ કામગીરીમાં પણ થોડો વિલંબ થયો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે અનેક મૃતદેહો સીટોની વચ્ચે ફસાયેલા હતા. જેમને ઘણી મુશ્કેલીથી બહાર કાઢવામાં આવ્યા.
ટીમના એક સભ્યએ જણાવ્યું કે આશંકા છે કે મિની બસ એક્સપ્રેસ-વે પરથી નીચે બોનેટ તરફથી અથડાઈ હશે.
કારણ કે આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે એક મૃતદેહ ડૅશબોર્ડનો કાચ તોડીને બહાર આવી ગયો હતો.