ભારતમાં પ્રદર્શનકારીઓ સામે કથીત બળપ્રયોગ અંગે અમેરીકાના ૬ ડેમોક્રેટીક સાંસદોએ વિદેશમંત્રી માર્કો રૂબીયોને પત્ર લખ્યો

ભારતમાં પ્રદર્શનકારીઓ સામે કથીત બળપ્રયોગ અંગે અમેરીકાના ૬ ડેમોક્રેટીક સાંસદોએ વિદેશમંત્રી માર્કો રૂબીયોને પત્ર લખ્યો

(એજન્સી)  વોશિંગ્ટન, તા. ૧૭ : 
અમેરિકાના ૬ ડેમોક્રેટિક સાંસદોએ વિદેશ સચિવ માર્કો રૂબિયોને પત્ર લખીને ભારતમાં પ્રદર્શનકારીઓ સામેની કથિત દમનકારી કાર્યવાહી અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ભારત સાથેની ચર્ચામાં અભિવ્યક્તિ અને શાંતિપૂર્ણ સભાના અધિકારનો મુદ્દો ઉઠાવવા જણાવ્યું છે.
ભારતમાં વિદ્યાર્થીઓ અને યુવાનોના વિરોધ પ્રદર્શનો દરમિયાન કથિત વધુ પડતા બળપ્રયોગ તથા અટકાયતોનો મુદ્દો અમેરિકાના ૬ ડેમોક્રેટિક સાંસદોએ ઉઠાવ્યો છે. તેમણે ૧૬ ઑક્ટોબરે વિદેશ સચિવ માર્કો રૂબિયોને પત્ર મોકલી ભારતીય અધિકારીઓ સાથેની મુલાકાતમાં આ બાબતો અંગે ચર્ચા કરવા વિનંતી કરી હતી.
પત્ર લખનારાઓમાં જિમ મેકગવર્ન, પ્રમિલા જયપાલ, ઇલ્હાન ઓમર, રશિદા તલૈબ, એલિનોર હોમ્સ નોર્ટન અને જિસસ ગાસિર્યાનો સમાવેશ થાય છે. તેમણે પ્રદર્શનો દરમિયાન સામૂહિક અટકાયત, બળપ્રયોગ અને શાંતિપૂર્ણ સભા પર પ્રતિબંધના અહેવાલો અંગે ચિંતા વ્યક્ત કરી છે.