ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો આજથી પ્રારંભ : બુધવારે બજેટ
ગાંધીનગર, તા.૧૬
ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે મહત્વનું ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે. બીજી તરફ રાજ્યનું આગામી વર્ષનું બજેટ પણ નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ બુધવારે રજૂ કરશે. ૨૩ દિવસના આ સત્રમાં વિધાનસભા ૨૬ સીટીંગ કરશે અને ૨૫ માર્ચના સત્રનો અંત આવશે.
રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળમાં ફેરફાર બાદનું આ પ્રથમ સત્ર નવા મંત્રીઓ માટે પણ એક કસોટી બની રહેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે બજેટ સત્રનો પ્રારંભ થયો છે અને પ્રથમ દિવસે બે સત્ર વચ્ચે દિવંગત થયેલા રાજ્યના મહાનુભાવોને શ્રધ્ધાસુમન અપાશે.
ગૃહમાં આજે નવા ઉપાધ્યક્ષ તરીકે ભાજપના પીઢ ધારાસભ્ય પૂર્ણેશ મોદીની વરણી નિશ્ચિત છે. ગત સપ્તાહએ વિધાનસભાના નવા ઉપાધ્યક્ષની ચૂંટણી માટેનું જાહેરનામુ બહાર પાડ્યું હતું અને ભાજપ તરફથી પૂર્ણેશ મોદીને આ પદ માટે પસંદ કરાયા હતા.
જ્યારે કોંગ્રેસે ટોકન ફાઇટ આપવા પક્ષના ધારાસભ્ય શૈલેષ પરમારને ઉમેદવાર બનાવ્યા છે અને રાજ્યપાલના સંબોધન બાદ ઉપાધ્યક્ષની ચૂંટણી માટે મતદાન થશે. ભાજપ ૧૬૨ બેઠકો પર વર્ચસ્વ ધરાવતો હોવાથી મોદીનો આસાન વિજય નિશ્ચિત છે.
વિધાનસભાના આ સત્રમાં મહત્વના કેટલાક ખરડાઓ પણ રજૂ થશે. જેમાં સૌ પ્રથમ રાજ્યના ત્રાસવાદ વિરોધી કાનૂન જેને ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ તરીકે ઓળખાય છે. તેમાં સુધારા ખરડો પણ ગૃહ વિભાગ સંભાળતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રજૂ કરશે.


